(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
એમ.એસ. યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને ગણેશપુરાના રહીશો વચ્ચે તાજેતરમાં જ મારામારી થઈ હતી. ત્યારે આ ઘટનાને લઈને યુનિવર્સિટીના હોલ્સ ઓફ રેસીડેન્સીના ચીફ વોર્ડને શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી ગેરકાયદે લારી-ગલ્લાઓ હટાવો તેવી માંગણી કરી હતી.
રજૂઆતમાં જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ જ ગણેશપુરાના રહીશો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. છાશવારે આવા બનાવો બને છે અને બહારના અસામાજિક તત્વો બહાર ગામથી ભણવા આવેલા વિદ્યાર્થીઓને કનડગત કરે છે. પ્રતાપગંજ ખાતેની તુલસી હોટલની સામેની બાજુએ આવેલી બોઈઝ હોસ્ટેલની બહાર લારી-ગલ્લાના ગેરકાયદે દબાણો ઊભા થયેલા છે. ત્યાં અસામાજિક તત્વોનો અડિંગો જામે છે અને ત્યાં લારી-ગલ્લા દિવસેેને દિવસે વધતા જ જાય છે. તેમજ ત્યાં દીવાલને ઝૂંપડાઓ ઊભા થઈ ગયેલા છે. અસામાજિક તત્ત્વાને કારણે વિદ્યાર્થીઓના ભણતરનો માહોલ બગડે છે. ત્યારે જે રીતે પોલિટેકનિક કેમ્પસ અને ત્યાંથી હોસ્ટેલની બહારના રોડ પરથી લારી-ગલ્લાઓ કાયમી રીતે દૂર કરાયા છે તેવી જ રીતે, બોઈઝ હોસ્ટેલની બહારના દબાણો દૂર કરો.
ગત ર૩મી સપ્ટેમ્બર ર૦૧૬થી લઈને અત્યાર સુધીમાં પાંચ વખતે લેખિત રજૂઆતો કરી છે. જો કે, તંત્રએ આ દિશામાં કોઈ એક્શન લીધા નથી. હવે ગણેશપુરાના રહીશો સાથે થયેલી મારામારીની ઘટના પછી ફરી કરાયેલી રજૂઆતનો પડઘો પડશે કે કેમ ? તે પ્રશ્ન ચર્ચામાં છે.