અમદાવાદ, તા.૩૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના કેવડીયા સાધુ બેટ ખાતે નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણની સલૂણી સંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર અદભુત રંગારંગ લેસર-શૉ નિહાળ્યો હતો. આ પ્રસંગે મીડિયાકર્મીઓને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી દ્વારા શૉનું નિર્માણ થયું છે. સાથે મ્યુઝીયમ, ગેલેરી, ટેન્ટ સીટી ઉપરાંત ભવિષ્યમાં બોટીગ, રોપ-વે જેવી અનેક સુવિધાઓ સાથે પ્રવાસીઓ રાત્રે લેસર-શૉ માણી શકશે. સરદાર પટેલનું જીવન ચરિત્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેકનીકલી વિગતો, એક ભારત શ્રેષ્ઠ ભારતની ગીતો સાથેના દરરોજ બે લેસર-શૉનો અદભૂત નજારો પ્રવાસીઓને માણવા મળશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્ટેચ્યુ બનવાથી આસપાસના વિસ્તારના આદિવાસી ભાઈ-બહેનોને રોજગારીની વિપુલ તકોના નિર્માણની સાથે આદિવાસી સંસ્કૃતિથી લોકો પરિચિત થાય તેમજ કેવડીયાની આસપાસ પ્રવૃત્તિમાં આદિવાસી વાતાવરણનો ટચ મળે તથા રોજગારીનું સર્જન થાય તેવા હેતુ સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. નર્મદા જિલ્લામાં રૂા.૧૦૦ કરોડના ખર્ચે ટ્રાયબલ મ્યુઝિયમના નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ દેશના રજવાડાઓએ પણ અખંડ ભારતના નિર્માણમાં જે બલિદાન આપ્યું છે તે માટે રજવાડાઓ માટે અલગ મ્યુઝિયમ બનાવવા માટે વડાપ્રધાનના સૂચનની દિશામાં રાજય સરકાર આગળ વધશે તેવી નેમ વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર રંગારંગ લેસર શો નિહાળ્યો

Recent Comments