(સંવાદદાતા દ્વારા), સુરત તા.૧
સુરત શહેરના જહાંગીરપુરા – દાંડી રોડ પરથી ગતરોજ રાત્રીના સુમારે એક ઇસમ રહસ્યમય હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જહાંગીરપુરા – દાંડી રોડ પરથી ગતરોજ રાત્રીના સુમારે કોલકાતાના અબુ હનીફ હાજી મૌલાનાનું મૃતદેહ રહસ્યમય હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં શોકની કાલીમા છવાઇ જવા પામી હતી. અબુ હનીફ પાછલા ૩૦ વર્ષથી સુરતમાં મારબલ ફિટીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દિવાળીની રજા બાદ ૧૮મી નવેમ્બરના રોજ પોતાના વતનથી ત્રણ સંતાનો સાથે સુરત પરત ફર્યા હતા. અબુ હનીફના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા અબુ હનીફને માથાના ભાગે ઇજા હોવાનું ડોક્ટરે જણાવતા અકસ્માત કે હત્યાએ પોલીસ માટે મુંજવણનો પ્રશ્ન બની ગયો હતો. વધુમાં અબુ હનીફના પુત્ર હિમામ અબુએ જણાવ્યું હતું કે શુક્રવારની મોડી સાંજે પિતાનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થયા બાદ તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા. શાંત સ્વભાવથી ઓળખતા પિતા અબુ મૌલાના રહસ્યમય મોતને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે.