અંકલેશ્વર, તા.૬
અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદીમાં ન્હાવા પડેલા જૂના દિવા ગામના પાંચ યુવાનો પૈકી ૩ ડૂબી ગયા હતા. અચાનક આવેલી દરિયાની ભરતીમાં તણાતા એક મિત્રએ બીજા મિત્રને બચાવી લીધો હતો. જ્યારે ત્રણ મિત્રો લાપતા બનતા તેઓના મૃતદેહ અલગ-અલગ જ્ગ્યાએથી મળી આવ્યા હતા.અંકલેશ્વરના બોરભાઠા વિસ્તારમાં નર્મદા નદીમાં જૂના દિવા ગામના ૫ યુવાનો ન્હાવા પડ્યા હતા જેમાં અચાનક ભરતી આવી જતા ૨ યુવાનો હેમખેમ કિનારે આવી ગયા હતા અને બાકીના વિનય પટેલ, શીવ ભરડીવાલા, અનિરૂદ્ધ રાજ પાણીમાં તણાઈ ગયા હતા. જે અંગે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મોડી રાત સુધી ત્રણ યુવાનોની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ યુવાનોને શોધવામાં સફળતા મળી ન હતી, જેમાં આજે સવારે નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. ૩ યુવાનો વિનય પટેલ અને અનિરૂદ્ધ રાજ અને શીવ ભરડીવાલાના મૃતદેહ નર્મદા નદીમાં અલગ-અલગ જગ્યાએથી સ્થાનિક માછીમારોને મળી આવ્યા હતા. જેને બહાર કાઢી શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી મૃતક વિનય પટેલ અને અનિરૂદ્ધ રાજના મૃતદેહ અને શીવ ભરડીવાલાને પોષ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.