(સંવાદદાતા દ્વારા) સુરત તા.૫
સુરતના વાડીફળિયામાં રહેતા અને દસેક દિવસ પહેલાં ચારધામની યાત્રાએ ગયેલા ૧૫ યુવાનો પૈકી ત્રણ નદીમાં તણાયા હોવાની ઘટના બની હતી. ૨જી જુલાઇના રોજ મંગળવારે યુવકોનું ગ્રુપ સુરત પાછા ફરવાનું હતું. દરમ્યાન તા. ૨૮મી જુનના શુક્રવારે હરિદ્વારમાં ભેખડ ધસી જવાના કારણે ફેનિલ, જેનિસ અને કૃણાલ ત્રણેય ડૂબી ગયા હતા. ૨૮મી જુનના રોજ શુક્રવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ બનેલી ઘટના બાદ ત્રણેય યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ફેનિલનો મૃતદેહ મળતાં તા.૩૦મી જુનના રોજ રવિવારે સુરત લવાયો હતો. ત્યારબાદ ફેનિલના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. જયારે કૃણાલ અને જેનિશની લાશ ન મળતાં તેની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ તથા સ્થાનિક લોકો કામે લાગ્યા છે. એનડીઆરએફની ટીમે નદીના ૧૫ કિલોમીટરના વિસ્તારમાં શોધખોળ કરી હતી. બંનેને શોધવા માટે ડ્રોન કેમેરાનો ૫ણ ઉ૫યોગ કરવામાં આવ્યો હતો. તે દરમ્યાન તા. ૫મી જુલાઇના રોજ સવારના સમયે હરીદ્વાર ગંગા નદીના કિનારા પરથી એક લાશ મળી આવી હતી. પોલીસે લાશ ઉપર કાળી ટી શર્ટ અને તેની ઉપર લખેલા લખાણ પરથી આ બોડી કૃણાલની હોવાની ઓળખ કરી હતી. ત્યારબાદ તેના પરિવારજનોને જાણ કરતા તેઓ હરીદ્વાર જવા રવાના થયા હતા. આ બોડી શોધવા માટે પગપાળા ચાલતા પેટ્રોલીંગના કારણે એક બોડી મળી આવી હતી. બોડીની હાલત જોઇને પરિવારજનોએ કૃણાલનો અંતિમ સંસ્કાર ૠષીકેશમાં કરવાનો નિર્ણય લીધો છે. હજુ પણ ફેનીલની લાશ શોધવાની કામગીરી ચાલી રહી છે તેવું સુરતના તેજસ ચોક્સીએ જણાવ્યું હતું.