(એજન્સી) જેરૂસલેમ, તા.૧૯
લશ્કરની સક્રિય ફરજનો વિરોધ કરવા માટે જેરૂસલેમના અલ-ક્વોડ્‌સમાં સેંકડો ઈઝરાયેલીઓએ રેલી કાઢી હતી. આ રેલીમાં સામેલ થનારા ૪૦ લોકોની પ્રશાસન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આ ૪૦ લોકોમાં પ્રખ્યાત યહુદી ધર્મગુરુના પૌત્રનો પણ સમાવેશ થાય છે.
રવિવારના રોજ યોજાયેલી આ રેલી બાદ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોની વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી.
પ્રખ્યાત યહૂદી ધર્મગુરુના આ પૌત્ર તોલ્દોત અવરાહમ યિત્ઝાક ધાર્મિક સમુદાયના છે, જેનો સીધો જ અર્થ એ થાય છે કે તે યહુદીઓના વિરોધી સંપ્રદાયમાંથી આવે છે. ધર્મગુરુના આ પૌત્રની બે સપ્તાહ પહેલાં તેલ અવિવના બેન ગુરરિઓન એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ઈઝરાયેલીઓ દ્વારા યોજાયેલી આ રેલીમાં પ્રદર્શનકારીઓના હાથમાં શાસન વિરોધી પોસ્ટરો જોવા મળ્યા હતા, જેમાં ધર્મગુરુઓને ભાષણ આપતા દર્શાવવામાં આવ્યા હતા. અન્ય પોસ્ટરોમાં લખેલા લખાણ અનુસાર ‘અમે યહુદીઓ છીએ તેથી અમારી સૈન્યમાં ભરતી કરવામાં આવતી નથી.
આ રેલીને ફૂટેજ પરથી જોઈ શકાય છે કે પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર દમન ગુજારવામાં આવ્યો હતો. ઉપરાંત તેમના પર પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો. ઉપરાંત ઘોડેસવાર સૈનિકો દ્વારા તેમને ઢસેડવામાં આવ્યા હતા અને એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે તેઓ દળોની વિરુદ્ધ વધારે પડતા હિંસાત્મક પગલાંઓ ભરી રહ્યા હતા.
સુરક્ષા દળો દ્વારા નવ જેટલા પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી, જ્યારે ઘાયલ થયેલા અન્ય બે પ્રદર્શનકારીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉપરાંત આ પ્રદર્શન દરમિયાન નિસેટની નાણાકીય સમિતિના ચેરમેન મોશે ગફનીએ નિવેદન આપ્યું કે યહુદી ધર્મગુરુના પૌત્ર તથા ધરપકડ કરાયેલ મહિલાને લશ્કરી જેલમાંથી મુક્ત કરવામાં આવે. ઉપરાંત યહુદી ધર્મગુરુએ પણ જાતે જ પ્રદર્શનકારીઓને વિખરાઈ જવા માટે કહ્યું હતું.