(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
સરકારી ગુપ્તચર સૂત્રોએ બુધવારે એવો ખુલાસો કર્યો કે ભારતીય લશ્કરે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાએ આંતર સરહદીય ગોળીબાર અને વ્યુહાત્મક હુમલાઓ કરીને ૨૦૧૭ ની સાલમાં ૧૩૮ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યાં. સૂત્રોએ ઉમેર્યું કે ભારતે પણ ખુવારી વેઠવી પડી છે. આ જ સમયગાળામાં ભારતના ૨૮ સૈનિકો શહીદ થયાં હતા. સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ પાકિસ્તાની સેના સામાન્યરીતે પોતાના જવાનો અને પોતાના કર્મચારીઓના મોતના અહેવાલને સ્વિકારતી નથી. તેમને ચોક્કસ કેસોમાં નાગરિક ખુવારી તરીકે ગણાવી દે છે. ભારતીય સેનાએ અંકુશરેખા ઉપર યુદ્ધવિરામના ભંગના મામલામાં ખુબ જ આક્રમક વલણ અપનાવ્યું છે અને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિ ઉપર મોટાભાગે બ્રેક મુકવામાં આવી છે. ઓપરેશન ઓલઆઉટ હેઠળ વર્ષ ૨૦૧૭માં ૨૦૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાને મોટી નુકસાની ઉઠાવી પડી છે. પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા યુદ્ધવિરામના ભંગને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. સત્તાવાર સુત્રોના કહેવા મુજબપાકિસ્તાની સૈનિકો દ્વારા વર્ષ ૨૦૧૭માં યુદ્ધવિરામ ભંગના ૮૬૦ વખત બનાવ બન્યા છે. ગયા વર્ષે ૨૨૧ વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો હતો. સુત્રોનું કહેવું છે કે, ૨૫મી ડિસેમ્બરના દિવસે જમ્મુ કાશ્મીરમાં એલઓસી પાર કરીને ભારતીય કમાન્ડોની ટુકડીએ ત્રણ પાકિસ્તાની જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ભારતીય સેનાએ ગયા વર્ષે સ્નીપર ફાયરિંગમાં ૨૭ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા જ્યારે સાત જવાનો ગુમાવ્યા હતા. ભારતીય સેના હાલમાં પાકિસ્તાનની જમીન ઉપર પણ કેટલીક વખત ઓપરેશન પાર પાડી ચુકી છે. ગયા વર્ષે મે મહિનામાં ભારતીય સેનાએ અંકુશરેખા ઉપર પાકિસ્તાની ચોકીઓ ઉપર હુમલો કર્યો હતો.ગત વર્ષેના મે મહિનામાં લશ્કરે કહ્યું હતું કે સરહદે પાકિસ્તાની ચોકીઓ પર દંડનાત્મક ગોળીબાર હુમલો શરૂ કરવામાં આવ્યો છે.