અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની મેલાનિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમ આવ્યા હતા. જયાં આ  બંને મહાનુભાવોને સાંભળવા સવા લાખની ભીડ ભેગી કરવામાં આવી હતી, જેમના  માટે છાસ, પાણી કે લસ્સીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર  આ લસ્સીની લૂંટફાટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે,સ્ટેડિયમ બહાર લોકો લસ્સીના પાઉચ લેવા કેવી પડાપડી, ખેચાખેચ અને  લૂંટફાટ મચાવી રહ્યા  છે. જો કે આ  વીડિયો સાથે એક મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં લખાયું છે કે આ એ જ ભકતો છે જે દિલ્હી ચૂંટણી સમયે એવું કહેતા હતા કે ફ્રીમાં મળે છે એટલે મત આપ્યો. આ વીડિયો જુઓ, ૧પ રૂપિયાની એક લસ્સી માટે ભકતો કેવા શાંતિ અને ધીરજથી શિસ્તબદ્ધ લાઈનમાં ઉભા છે, આજે મોટેરા સ્ટેડિયમ ખાતે થયેલ પ્રોગ્રામનો વીડિયો છે. આ વીડિયોમાં લોકો છાસના  પાઉચ લેવા કાર્ટૂન ફીંદી રહ્યા છે તો કોઈક ટેબલ પર ચઢી છાસનું પાઉચ શોધી રહ્યા છે તો વળી કેટલાકના હાથમાં ખાલી પાઉચ આવતા હાંસીનું પાત્ર બન્યા હતા. આમ આ  વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે રમુજ પેદા કરી છે.