મોસ્કો, તા. ૨૭
ફિફા વર્લ્ડકપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. મંગળવારના દિવસે રમાયેલી મેચો પૈકી પ્રથમ મેચમાં આર્જેન્ટિનાની ટીમ નાઇજિરિયાને હરાવીને અંતિમ ૧૬માં પ્રવેશી ગઇ હતી. આર્જેન્ટિના પર વર્લ્ડ કપમાંથી ફેંકાઇ જવાનુ સંકટ તોળાઇ રહ્યુ હતુ. તેના તરફથી સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સી અને માર્કોસ રોજોએ ગોલ કર્યા હતા. મેસ્સીએ ૧૪મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. જો કે નાઇજિરિયા તરફથી ગોલ કરીને બરોબરી કરી લેવામાં આવી હતી. છેલ્લી ઘડીએ રોજોએ ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ જીતની સાથે આર્જેન્ટિનાના ત્રણ મેચોમાં ચાર પોઇન્ટ થઇ ગયા છે અને તે બીજા સ્થાન પર રહી છે. ક્રોએશિયા સામે તેની હાર થઇ હતી. ફ્રાન્સ અને ડેનમાર્ક વચ્ચેની મેચ કોઇ ગોલ વગર ડ્રો રહી હતી. જો કે બંને ટીમો નોકઆઉટ દોરમાં પહોંચી ગઇ છે. ફ્રાન્સની ટીમ ત્રણ મેચોમાં બે જીત સાથે સાત પોઇન્ટ ધરાવે છે. તે પ્રથમ સ્થાને રહી છે.ડેનમારપ્ક ત્રણ મેચોમાં બે ડ્રો સાથે પાંચ પોઇન્ટ ધરાવે છે. ફ્રાન્સની ટીમ હવે ૩૦મી જુનના દિવસે ગ્રુપ ડીમાં બીજા સ્થાને રહેનાર ટીમ સામે થશે. જ્યારે ડેનમાર્ક આગામી દિવસે પહેલી જુલાઇના દિવસે ગ્રુપ ડીમાં ટોપ પર રહેનાર ટીમ સામે ટકરાશે. ક્રોએશિયા પણ અંતિમ ૧૬માં પ્રવેશી ગયુ છે. ક્રોએશિયાની ટીમ ગ્રુપ દોરમાં કોઇ મેચ હારી નથી.