(એજન્સી) બુલંદશહેર, તા. ૬
બુલંદશહરના સ્યાનામાં હિંસા દરમિયાન શહીદ થયેલા ઇન્સપેક્ટર સુબોધકુમારસિંહ અંગે ભાજપના નેતાઓનો ભૂતકાળમાં લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. હિંસાના બે દિવસ પહેલા સાંસદને મોકલેલા પત્રમાં સ્યાના ક્ષેત્રના ભાજપના નેતાઓએ ઇન્સપેક્ટરની કાર્યપ્રણાલિ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ઇન્સપેક્ટરનો વ્યવહાર જનતા પ્રત્યે અભદ્ર છે અને ક્ષેત્રમાં ચોરી, પશુચોરી જેવી ઘટનાઓ વધી ગઇ છે. સાંસદના જણાવ્યા મુજબ તેમણે પત્ર એસએસપીને મોકલીને કાર્યવાહી કરવાની માગણી કરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ પત્રને પહેલી ડિસેમ્બરે સ્યાનાના ભાજપના નેતાઓએ સાંસદ ડો.ભોલાસિંહને મોકલ્યો હતો. પત્ર પર ભાજપના ઘણા નેતાઓના હસ્તાક્ષર છે. ક્ષેત્રમાં વાહન ચેકિંગના નામે નગરવાસીઓને બિનજરૂરી પરેશાન કરવામાં આવી રહ્યા છે અને ગેરકાનૂની રીતે વસૂલાત કરવામાં આવી રહી છે. પત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે હિન્દુઓના ધાર્મિક કાર્યોના આયોજનમાં અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે હિન્દુ સમાજમાં આક્રોશ ભભુકી રહ્યો છે. આવા પોલીસ અધિકારીઓની તાકીદે ટ્રાન્સફર કરીને તેમની વિરૂદ્ધ વિભાગીય કાર્યવાહી કરાવવા કૃપા કરશો. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થવા અંગે પોલીસ અધિકારીઓ અજાણ હોવાનો ડોળ કરી રહ્યા છે.
બુલંદશહેર : શહીદ ઇન્સ્પેક્ટર સુબોધકુમારસિંહ અંગે ભાજપના નેતાઓનો પત્ર વાયરલ

Recent Comments