(સંવાદદાતા દ્વારા)         નવસારી, તા.૭

નવસારી જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે નેશનલ જેએએલએમએ ઈન્સ્ટિટ્યુટ ફોર લેપ્રસી એન્ડ અધર માઈક્રોબેકટેરીયલ ડીસીઝ આગ્રા અને નેશનલ લેપ્રસી પ્રોગ્રામ અંતર્ગત નવસારી એમ.જી.જી. સિવિલ હોસ્પિટલ ખાતે રક્તપિત્તના દર્દીઓ તેમજ તેમના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને એમઆઈપી રસીકરણ કાર્યક્રમનો નવસારીના સાંસદ સી.આર.પાટીલે દર્દીઓને ડોઝ પીવડાવી પ્રારંભ કર્યો હતો. આ એમઆઈપી રસીકરણ લોન્ચિંગ કાર્યક્રમ વિશ્વમાં પ્રથમ નવસારી જિલ્લામાં કરાઈ હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક આર.સી.પટેલ, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા, જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ પટેલ, જિલ્લાના આરોગ્ય વિભાગના ચેરમેન તૃષાબેન પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિતીબેન ઠક્કર, સિવિલ સર્જન ડૉ. કોડનાણી, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.એન. કન્નર જોડાયા હતા.

નવસારીમાં સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે દેશમાં તમામ જિલ્લામાંથી ભારત સરકારે નવસારી જિલ્લાની એમઆઈપી રસીકરણ માટે પસંદગી કરતા હર્ષની લાગણી ઉદ્‌ભવે છે. સમાજમાં રક્તપિત્તનો રોગ લોકોમાં ઘૃણા પેદા કરે છે. આવા કુસ્ક રોગને    નાથવા ભારત સરકાર દ્વારા રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયો છે. સુરત જિલ્લામાં પણ આવા દર્દીઓ માટે અલગ વસાહત ઊભી કરાઈ છે. રક્તપિત્તમાં દર્દીઓને આશીર્વાદ સમાન આ રસીની શોધ સાબિત થશે, દેશમાં નવસારી અને નર્મદા જિલ્લામાં આ રસીકરણનું લોન્ચિંગ કરાયું છે.

નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે રક્તપિત્તની આ નવી શોધાયેલ રસી ભારતના નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈમ્યુનોલોજીના માજી ડાયરેકટર ડૉ.પ્રાણનાથ તલવારે શોધ કરી છે. જે દેશમાં ગૌરવ લેવા જેવી વાત છે.

જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગણદેવી તાલુકામાં રસીકરણ થઈ રહ્યું છે. ખૂબ ઝડપથી આ રોગ કન્ટ્રોલ કરાશે.

આગ્રાના સાયન્ટીસ ડૉ. અવિકુમાર બંસલે જણાવ્યું હતું કે આ રસીનું વ્યવસાયિક નામ ઈમ્યુવેક છે. આ રસી હીટ કીલ્ડ રસી છે. ભારત સરકારે તમામ લેપ્રસી સેન્ટરમાં આ રસી દ્વારા સારવાર હાથ ધરી છે જે ઘણી અસરકારક છે.

આ પ્રસંગે સાયન્ટીસ ડૉ. અવિકુમાર બંસલનું શાલ ઓઢાડી મહાનુભાવો હસ્તે બહુમાન કરાયું હતું, તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમના બુકનું વિમોચન કરાયું હતું.

આ પ્રસંગે ડૉ. સુરેન્દ્ર જૈન, ડૉ. પૂંછાવાલા, ડૉ. નિતીનભાઈ પટેલ, ડૉ. ધવલ મહેતા, ડૉ. દુબે, ડૉ. શર્મા, ડૉ. મજીગાવકર, મેડિકલ ઓફિસર, આરોગ્ય વર્કરો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.