(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર
કર્ણાટકના ઉપમુખ્યમંત્રી લક્ષ્મણ સવાદીએ બુધવારે ચેતવણી આપી હતી કે રાજ્ય સરકાર બેલગાવી સરહદના મુદ્દા પર મહારાષ્ટ્રમાં કન્નડ લોકોને થઈ રહેલી કોઈપણ મુશ્કેલી સાંખી નહીં લે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને જણાવવા માંગું છું કે, તેઓ મહારાષ્ટ્રમાં કન્નડ લોકોને વેઠવી પડતી મુશ્કેલીઓ સાંખી નહીં લે. રવિવારે કોલ્હાપુરમાં શિવસૈનિકોએ સરહદ વિવાદ મુદ્દે કર્ણાટકના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું પૂતળું બાળ્યું હતું તેમજ સિનેમાગૃહોમાં ચાલી રહેલી કન્નડ ફિલ્મોને અટકાવી હતી. આટલું જ નહીં તેમણે ગાંધીનગર વિસ્તારમાં કન્નડ ભાષામાં લખાયેલા બિલ બોર્ડ પર કાળો રંગ ચોંપડયો હતો. શિવસૈનિકોના આ પગલાં પછી કર્ણાટકના ઉપમુખ્યમંત્રીએ આ ચેતવણી ઉચ્ચારી હતી. આ પહેલાં કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ આક્ષેપ કર્યો હતો કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમના રાજકીય ફાયદા માટે સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવે છે.