વેરાવળ, તા.પ
વેરાવળ-કોડીનાર રોડ ઉપર કાજલી-સોનારિયા ગામ વચ્ચે આજે વહેલી સવારે દીવ તરફ જતી ટ્રાવેલ્સ બસ બંધ ટ્રક (ડમ્પર)ની પાછળના ભાગે અથડાતા રાજકોટના એક યુવાનનું મૃત્યુ નિપજેલ જ્યારે બસમાં બેઠેલા અન્ય ૧૭ જેટલા લોકોને ઈજાઓ સાથે ઈમરજન્સી સેવા ૧૦૮ દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે. આ અકસ્માતમાં બસના ક્લિનર સહિત બેના પગ કપાઈ ગયેલ હોવાનું જાણવા મળેલ છે અને ત્રણને ગંભીર ઈજાઓ સાથે રાજકોટ ખાતે સારવારમાં ખસેડેલ છે અને અકસ્માત બાદ ત્રણેક કલાક સુધી આ રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગેલ હતી. આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટથી દીવ તરફ જતી આશાપુરા ટ્રાવેલ્સ બસ નં.જીજે ૦૩ ટી ૦૬૮પની વેરાવળથી દીવ જવા નીકળેલ ત્યારે રસ્તામાં કાજલી-સોનારીયા ગામ વચ્ચે આજે વહેલી સવારે ત્રણેક વાગ્યા આસપાસ ઝાડ સાથે અથડાયેલ ટ્રક (ડમ્પર)નં. જીજે ૧૧ ઝેડ ૯૩૬ બંધ હાલતમાં રહેલ તેની પાછળના ભાગે ધડાકાભેર અથડાતા બસમાં ભરઉંઘમાં સુતેલા મુસાફરોની ચિચિયારીઓ ગુંજી ઉઠેલ હતી. આ અકસ્માતમાં બસમાં ક્લિનર સાઈડ બેસેલા રાજકોટ ખાતે રહેલા મયુર (મનીશ) જમનાદાસ ગજેરા ઉ.વ.૩૭નું મૃત્યુ નિપજેલ જ્યારે અન્ય ઈજા પામેલાઓને ઈમરજન્સી સેવા ૧૦૮ના દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ જેમાં ત્રણને ગંભીર ઈજાઓ હોવાથી રાજકોટ ખાતે સારવારમાં ખસેડેલ છે.