(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
હત્યાની કોશિશના ગુનામાં પકડાયેલા આરોપીને બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા હતાશામાં સરી પડેલા રાકેશે બીજા માળેથી નીચે પડતું મુકીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત પગમાં જ ફ્રેક્ચર થતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરાના ઈન્દિરાનગર ખાતે રહેતો રાકેશ દામુ મહાલે (ઉ.વ.૨૪) સામે વેસુ જોલી પાર્ટી પ્લોટ નજીક સ્પામાં મારા મારી કરી હતી. આ કેસમાં ઉમરા પોલીસ મથકમાં રાકેશ મહાલે સામે હત્યાની કોશીશનો ગુનો નોંધાયો હતો. પોલીસે રાકેશ મહાલેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આજે બપોરના સમયે કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટે બે દિવસના રિમાન્ડ આપતાં રાકેશે બીજા માળે બારીમાંથી કુદકો લગાવી દેતા નીચે પટકાયો હતો. જોકે પતરાના શેડ પર આરોપી પટકાયો હતો. જેથી તેને ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો.જમણા પગના પંજામાં ફ્રેક્ચર થયું છે.