ઝુલ્મત સે મિલો, સિતારોં સે મિલો
કાંટો પે કદમ રખ કે બહારોં સે મિલો
મિલતી નહીં તકલીફ સે પેહલે રાહત
તૂર્ફાં સે ગલે મિલ કે કિનારોં સે મિલો
મોજોં સાહિલ સે મિલો, મહે કામિલસે મિલો
સબસે મિલ આઓ તો એક બાર મેરે દિલસે મિલો
-શાઝ તમકનન
સમુદ્રના સુંદર નજારાઓ અને સમુદ્રી કલાને પોતાના કેમેરામાં કેદ કરનાર અને વિવિધ – આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા વોરન કીલનની કેટલીક તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે. આ તસવીરો મૂળ ઓસ્ટ્રેલિયાના એન.એસ.ડબલ્યુના ઈલેવોરાના દક્ષિણ કિનારાના પ્રદેશ છે. જેમાં સમુદ્રમાં ઉઠતી લહેરોના સુંદર દૃશ્યોને તસવીરોના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છેે ત્યારે શાઝ તમકનનની “મોજોં સાહિલ સે મિલો’’ યાદ આવી જાય.
નાના-નાના ઝરણાઓમાંથી બનતી નદીઓનો જ્યારે સંગમ થાય ત્યારે સમુદ્ર બનતો હોય છે. સમુદ્રને જોતાં આપણી સમક્ષ મનુષ્ય જીવનના ત્રણ તબક્કાઓ તરવરી ઊઠે છે. બાળપણ એ ઝરણાં સમાન છે, જેમાં ગમે ત્યારે હસી શકાય, ગમે ત્યારે રડી શકાય. એના અનુભવોની અભિવ્યક્તિ કરવાની રીત ભલે તદ્દન જુદી હોય પરંતુ તેના દરેક હાવભાવમાંથી નરી નિર્દોષતા ઝરતી હોય છે. મનુષ્યની યુવા અવસ્થા નદી જેવી છે, જેને સમાજમાં રહેવા, લોકો સાથે તાલમેલ કરવા, દુનિયાના દુઃખો ભૂલાવીને લોકો માટે મીઠાશને વેરવી પડે છે. ત્રીજી અવસ્થા એ સમુદ્ર જેવી છે. જ્યાં ઘણું-ઘણું જીરવીને, વેઠીને આવેલું ઘડપણ ના કોઈને જીવવું ગમે છે અને ના તો તેનો બોજો કોઈને સહન કરવો ગમે છે. સમુદ્ર કદાચ ઘડપણ જેવો છે એટલે જ લોકોને તે ખારો લાગતો હશે. પણ કોઈ એ નથી સમજતું કે તેણે તેના વિશાળ હૃદયમાં ઝરણાં જેવી નિર્દોષતા, નદી જેવી મીઠાશને સમાજને અનુરૂપ થવા માટે વધતે-ઓછે અંશે ત્યજી દીધી છે અને એટલે જ કદાચ તે, ખારો થઈ ગયો છે.
પ્રસ્તુત પ્રથમ તસવીરમાં જોવા મળી રહેલ વિશાળ મોજું એ ક્ષણભંગુર છે. છતાંય તે આપણને પ્રેરણા આપે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ આપણે તેનાથી હારી ના જવું જોઈએ અને સમુદ્રમાં આવતા મોજાંઓની જેમ અવિરતપણે આપણે પણ આપણા પ્રયત્નોને ચાલુ રાખવા જોઈએ. સમુદ્રમાં જોવા મળી રહેલા મોજાંઓ એ સતત ચાલુ રહેતી એક કુદરતી પ્રક્રિયા છે. અફાટ દરિયામાં આવતા આ મોજાંઓના આકાર પણ એટલા સુંદર હોય છે કે, આપણને સમુદ્ર કિનારે બેસીને તેને જોતાં જ રહેવાનું મન થાય છે. સમુદ્રી લહેરો, મોજાંઓના દૃશ્યો અને તેના અવાજથી આપણે આપણા જીવનની તમામ મુશ્કેલીઓ અને તણાવને ભૂલી જઈને હળવાફૂલ બની જઈએ છીએ.