ભારતીય ટીમના હેડ કોચ કુમ્બલેના રાજીનામા બાદ ટ્‌વીટર પર કોેણે શું કહ્યું ?

ખેલાડી મનપસંદ કોચની માગણી કરી શકે નહીં : ગાવસ્કર

 

મને જણાવવામાં આવ્યું હતું કે, કોહલીને મારી સાથે પરેશાની  છે : કુંબલે

નવી દિલ્હી, તા.ર૧

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અનિલ કુમ્બલેએ કોહલી સાથે કથિત બહુચર્ચિત મતભેદો વચ્ચે પોતાના પદેથી રાજીનામુું આપતા તેમના સફળ કાર્યકાળનો કડવો અંત થયો. કુમ્બલેએ એક ટ્‌વીટ કરીને પોતાના રાજીનામાનું કારણ સ્પષ્ટ કર્યું છે. કુંબલેએ લખ્યું છે  કે ક્રિકેટ સલાહકાર સમિતિએ મને હેડ કોચ તરીકે પોતાનો કાર્યકાળ આગળ વધારવા માટે કહ્યું હતું પણ આ સાથે જ મને જણાવવામાં આવ્યું હતું કે, કપ્તાન કોહલીને મારી કાર્યશૈલીને લઈ પરેશાની છે. આ જાણને હું હેરાન રહી ગયો કારણ કે કપ્તાન અને કોચની સીમાઓ મને સારી રીતે ખબર છે કે જો કે બીસીસીઆઈ એ કપ્તાન અને મારા વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયાસ કર્યો પણ આ સ્પષ્ટ હતું કે, આ ભાગીદારી આગળ ચાલી નહીં શકે. આવામાં મારું રાજીનામું આપવું જ યોગ્ય છે.

નવી દિલહી, તા.ર૩

કુમ્બલેના રાજીનામા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા સુનિલ ગાવસ્કરે કહ્યું કે, મને ખૂબ જ ખરાબ લાગ્યું કે અનિલ કુમ્બલેએ  આ પગલું ભર્યું જો તમે કુમ્બલેના કોચ બન્યા બાદ ભારતીય ટીમના પ્રદર્શન પર નજર કરો તો તેમની રમતમાં જબરદસ્ત સુધારો થયો છે. ગાવસ્કરે કહ્યું કે, ખેલાડી કયારેય એવું ના કહી શકે મને આ કોચ જોઈએ છે. ખેલાડીઓની માંગ ખોટી છે. ખેલાડીઓમાં શિસ્ત હોવી જોઈએ. કોચ ખેલાડીઓને મેચ માટે તૈયાર કરે છે. જે રીતે ભારતીય ટીમે છેલ્લા એક વર્ષમાં પ્રદર્શન કર્યું છે. તેને લઈ સવાલ ઉઠાવી શકાય નહીં ઈતિહાસ બતાવે છે કે, જ્યારે પણ કોચ કડક વલણ અપનાવે છે ત્યારે મતભેદના સમાચાર મીડિયામાં છવાઈ જાય છે. પૂર્વ ભારતીય સ્પિનર બિશનસિંહ બેદીએ ટ્‌વીટ કર્યું છે કે જેણે પણ ભારતના મહાન ખેલાડી અનિલ કુમ્બલે વિરૂદ્ધ વિદ્રોહ કર્યો છે તેને બહાર કરી દેવો જોઈએ. આનાથી ભારતીય ક્રિકેટને નુકસાન થયું છે. પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ કહ્યું કે, સ્થિતિનો સારી રીતે ઉકેલ લાવી શકાયો હોત. તેમણે કહ્યું કે,  કોચ   પસંદગી પ્રક્રિયા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા નહીં પણ ઘરેલુ સત્ર બાદ થવી જોઈતી હતી.