અમદાવાદ, તા.૨

શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલમાં રવિવારે સવારે દસના સુમારે અચાનક વીજળી વેરણ બની જતા અનેક ઓપરેશનો અટકાવી દેવાની ફરજ પડી હતી.તો બીજી તરફ તબીબોને દર્દીઓને તપાસવા માટે મોબાઈલના અજવાળાની મદદ લેવી પડી હતી.આ અંગે મળતી માહિતી મુજબ,મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોમાં કેટલી હદે લાલીયાવાડી ચાલી રહી છે તેના ઉદાહરણો હોસ્પિટલોના બેદરકારી ભર્યા વહીવટમાંથી જ મળી રહે છે.આવું જ કાંઈક આજે રવિવારે મણીનગર વિસ્તારમાં આવેલી એલ.જી.હોસ્પિટલ ખાતે બનવા પામ્યું જ્યારે હોસ્પિટલમાં અચાનક જ કોઈ અગમ્ય કારણોસર સવારે દસના સુમારે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જવાથી દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા.આટલું પુરતુ ન હોય તેમ હોસ્પિટલમાં રવીવાર હોવાથી કોઈ જવાબદાર પદાધિકારીઓ હાજર ન હોવાના કારણે તબીબોને જે ઓપરેશનો હાથ ધરવાના હતા તે ઓપરેશનોને અટકાવી દેવાની ફરજ પડી હતી.તો વળી આજ સમયગાળા દરમ્યાન તબીબો દર્દીઓને મોબાઈલની બેટરીના અજવાળામાં તપાસતા નજરે પડ્યા હતા.હોસ્પિટલમાં સતત એક કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. આમ છતાં જનરેટરની મદદથી પણ વીજ પુરવઠો સ્થાપિત કરી શકાયો ન હતો.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ,હોસ્પિટલમાં જે જનરેટર છે તે પણ બંધ હાલતમાં છે.સમગ્ર મામલે જ્યારે હોસ્પિટલ સત્તાવાળાઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે વીજ પુરવઠો કયા કારણોસર ખોરવાયો તે અંગે કાંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.તો એક કલાક બાદ વીજ પુરવઠો ફરી સ્થાપિત થતા હોસ્પિટલમાં કાર્યવાહી રાબેતા મુજબની બનવા પામી હતી.