(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર અને દિલ્હીના ઉપ રાજ્યપાલના મનસ્વી નિર્ણયો વિરૂદ્ધ સામે ઐતિહાસિક નિર્ણય આપતા જણાવ્યું હતું કે, દિલ્હીના ઉપ રાજ્યપાલ રાજ્ય સરકારના નિર્ણયોમાં સ્વતંત્ર સત્તા ધરાવતા નથી અને ચૂંટાયેલી સરકાર જ તેના માટે ખરી હકદાર છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને દિલ્હી સરકારના મોટા વિજય સમાન ગણાવાયુંં છે જ્યારે કેન્દ્રની મોદી સરકાર તથા ઉપ રાજ્યપાલની મોટી હાર ગણાવાઇ રહી છે. લાંબા સમયથી દિલ્હીની આપ સરકાર રાષ્ટ્રીય રાજધાનીના બોસ અંગેની લડત લડી રહી હતી. નિર્ણય બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતુંં કે, દિલ્હીના લોકો અને લોકતંત્રની આ જીત છે. બીજી તરફ ઉપ મુખ્યમંત્રી સિસોદિયાએ જણાવ્યું હતું કે, દિલ્હીની જનતા માટેનો આ ઐતિહાસિક નિર્ણય હતો. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, પૂર્ણ રાજ્ય માટેનું આંદોલન ચાલતું રહેશે. દિલ્હીના બોસ અંગે સુપ્રીમ કોર્ટમાં ૧૧ અરજીો દાખલ થઇ હતી. ૬ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ આ મામલે પાંચ જજોની બંધારણીય પીઠે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મંત્રીમંડળ પોતાના નિર્ણયો અંગે ઉપ રાજ્યપાલને જાણ કરે પરંતુ તેને અર્થ એ નથી કે, દરેક બાબતમાં તેમની સંમતિ જોઇએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંકેત આપી દીધા કે, ઉપ રાજ્યપાલ દિલ્હીના બોસ નથી.
૨. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુ કે, જમીન, પોલીસ અને જાહેર વ્યવસ્થાને બાદ કરતા દિલ્હીના ઉપ રાજ્યપાલ બંધારણ હેઠળ સ્વતંત્ર નિર્ણયો લેવાનો કોઇ અધિકાર નથી.
૩. સુપ્રીમ કોર્ટે ટાંક્યું હતું કે, ઉપ રાજ્યપાલ મર્યાદિત બાબતોમાં વહીવટકર્તા છે નહીં કે રાજ્યપાલ. જે બાબતો તેમને લગતી હોય તેમાં તેઓ મંત્રીમંડળની સલાહ લેવા માટે બંધાયેલા છે.
૪. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે, ઉપ રાજ્યપાલે દિલ્હીની સરકાર સાથે સૌહાર્દપૂર્ણ રીતે કામ કરવાની જરૂર છે.
૫. વર્ષ ૨૦૧૬માં દિલ્હીના વહીવટી બોસ ઉપ રાજ્યપાલ હોવાના દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકારતા આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. જોકે, હાઇકોર્ટના ચુકાદા સાથે અહમતી દર્શાવતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ઉપ રાજ્યપાલે મનસ્વી રીતે વર્તવું ન જોઇએ અને દિલ્હી મંત્રીમંડળના નિર્ણયોને અમલમાં મુકવા જોઇએ.
૬. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો અરવિંદ કેજરીવાલ દ્વારા ઉપ રાજ્યપાલ અનિલ બૈજલના નિવાસે વિઝિટર્સ રૂમમાં નવ દિવસ સુધી ધ્યાન આપવા મામલે ધરણા કર્યા બાદ આવ્યો છે.
૭. આપ સરકારે માગ કરી હતી કે, બૈજલ દિલ્હીના મુખ્ય વહીવટી અધિકારી મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર આપના ધારાસભ્યો દ્વારા હુમલા અંગે અધિકારીઓએ કામમાં સહકાર આપવા મામલે કરેલા બહિષ્કારમાં મધ્યસ્થીકરવા કહ્યું હતું.
૮. અધિકારીઓએ મંત્રણા કરવા તૈયારી બતાવી ત્યારે કેજરીવાલે ધરણાનો અંત લાવ્યો પરંતુ દિલ્હીના સંપૂર્ણ રાજ્યના દરજ્જા માટે સહી અભિયાન ચલાવ્યું. આ માગ ભાજપ દ્વારા જ કરવામાં આવી હતી જોકે, તે વખતે તે કેન્દ્રમાં સત્તામાં નહોતું.
૯. આ મડાગાંઠ વર્ષ ૨૦૧૫માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને બોલાવેલા સપાટા બાદ સર્જાઇ હતી જેમાં તેણે ૭૦માંથી ૬૭ બેઠકો પર જીત મેળવી સત્તા મેળવી હતી અને ભાજપને ફક્ત ત્રણ જ બેઠકો મળી હતી. આપે આરોપ મુક્યો હતો કે, ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર તેની સાથે હારનો બદલો લઇ રહી છે અને કેજરીવાલ સરકાર દ્વારા લેવાયેલા દરેક નિર્ણયને ઉપરાજ્યપાલના ઉપયોગથી રોકી રહી છે.
૧૦. કેજરીવાલની સરકાર સત્તામાં આવ્યાના દિવસો બાદ જ કેન્દ્ર સરકારે આદેશ જારી કરી દીધો કે, પોલીસ, જાહેર વ્યવસ્થા અને વહીવટી અધિકારીઓની નિમણૂંક મામલે ચૂંટાયેલી સરકારના દરેક નિર્ણય મામલે ઉપ રાજ્યપાલની પરવાનગી લેવી જરૂરી છે.

સુપ્રીમ કોર્ટમાં વિજયથી ઉત્સાહિત કેજરીવાલે મંત્રી મંડળની ઇમરજન્સી બેઠક બોલાવી

સુપ્રીમ કોર્ટે પોતાની તરફેણમાં આપેલા ઐતિહાસિક ચુકાદા બાદ ઉત્સાહિત બનેલા કેજરીવાલે બુધવારે મંત્રીમંડળની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. રાષ્ટ્રીય રાજધાનીના બોસ ઉપરાજ્યપાલ નહીં પણ ચૂંટાયેલી સરકાર હોવાના ચુકાદા બાદ તરત જ કેજરીવાલે ટિ્‌વટ કર્યું હતું કે, તેમણે પોતાના નિવાસ ખાતે ઇમરજન્સી બેઠક બોલાવી છે જેમાં જાહેર હિતના ઘણા સમયથી પડતર નિર્ણયોઅંગે વાત કરાશે. તેમણે દિલ્હીમાં ઘરે-ઘરે જઇ રાશન કાર્ડ બનાવવા અને સીસીટીવી લગાવવાના પ્રસ્તાવોમાં ઝડપ લાવવાનો નિર્દેશ આપ્યો છે.

દિલ્હી સરકારના નિર્ણયોને એલજીની સંમતિની જરૂર નથી : સુપ્રીમ કોર્ટ

રાષ્ટ્રીય રાજધાનીદિલ્હી માટે કાયદા બનાવવાની સંસદીય સત્તાને રદ કરતા સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે, ઉપ રાજ્યપાલ અને દિલ્હી સરકારે સૌહાર્દ સાથે કામ કરવું જોઇએ અને આદેશ આપ્યો હતો કે, સરકારે પોતાના નિર્ણયો અંગે ઉપરાજ્યપાલની સંમતિ લેવાની જરૂર નથી પરંતુ તેમને માહિતગાર કરવા પડે. બંધારણીય કલમો અનુસાર ઉપરાજ્યપાલ વહીવટી અધ્યક્ષ છે અને તેઓને મંત્રી પરિષદ દ્વારા લેવાયેલા નિર્ણયોની જાણકારી આપવી પડે. આ નિર્ણયોની કોપી ઉપરાજ્યપાલને મોકલી શકાય છે. આ ઉપરાંત દરેક બાબતોમાં એલજીને મળવાની જરૂર નથી પરંતુ મહત્વના નિર્ણયો અંગે તેમની સાથે ચર્ચા કરવી પડે પરંતુ તેનો અર્થ એ નથી કે દરેક બાબતમાં ઉપરાજ્યપાલની સંમતિ જરૂરી છે તેમ સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું.

બંધારણીય પીઠના કયા જજે શું કહ્યું

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય દ્વારા સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું છે કે, ફક્ત બંધારણની કલમ ૨૩૯-એએ અંતર્ગત આપવામાં આવેલી શક્તિઓ સિવાય દિલ્હીના ઉપરાજ્યપાલ સરકારના મંત્રીમંડળની મદદ અને સલાહથી કામ કરવા બંધાયેલા છે. પાંચ જજોની બેંચમાં સામેલ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા ઉપરાંત જજ એકે સિકરી, એએમ ખાંવલિકર, ડીવાય ચંદ્રચૂડ અને અશોક ભૂષણ સામેલ હતા. દિલ્હી સરકાર અને ઉપ રાજ્યપાલ વચ્ચે ઉપજેલા વિવાદ પર ત્રણ જજોએ પોતાનો નિર્ણય સંભળાવ્યો જ્યારે બે જજો એકે સિકરી અને એએમ ખાંવલિકરે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના નિર્ણય સાથે સહમતી દર્શાવતા પોતાનો અલગ નિર્ણય આપ્યો નહોતો.
ચીફ જસ્ટિટ દીપક મિશ્રાનો નિર્ણય : કોર્ટે લોકશાહીના સિદ્ધાંતો પર જ બંધારણની વ્યાખ્યા કરવી પડશે. રાજ્યના ત્રણ અંગો બધારણ સાથે જોડાયેલા છે. તેથી કોર્ટનો નિર્ણય બંધારણની ભાવના પર આધારિત હોવો જોઇએ. મદદ અને સલાહના સંદર્ભમાં સામુહિક જવાબદારીનો સિદ્ધાંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્યે સંઘીય માળખનું પાલન કરવાની જરૂર છે. શાબ્દિક વ્યાખ્યાનથી વધુ મહત્વપૂર્ણ સંદર્ભ વ્યાખ્યાન છે. કેન્દ્ર અને રાજ્યના સંદર્ભમાં દિલ્હી વિશેષ સ્થાન છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અન્ય રાજ્યના રાજ્યપાલની જેમ નથી. ઉપરાજ્યપાલ મંત્રી પરિષદની મદદ અને સલાહ સાથે બંધાયેલા છે. જોકે, તેમને બંધારણની કલમ ૨૩૯-એએ અંતર્ગત બાબતને રાષ્ટ્રપતિના સંદર્ભ હેતુ મોકલવાનો અધિકાર છે. ઉપરાજ્યપાલ સ્વતંત્ર રીતે નિર્ણય ના લઇ શકે અને તેમને મંત્રી પરિષદની મદદ અને સલાહની જરૂર છે. તેમણે મંત્રી પરિષદ સાથે સુમેળ સાધી કામ કરવાની જરૂર છે. બંધારણ અનુસાર મંત્રી પરિષદે પોતાના નિર્ણયની માહિતી ઉપરાજ્યપાલને આપવાની હોય છે પણ તેનો એ અર્થ નથી મંત્રી પરિષદ ઉપરાજ્યપાલને આધિન છે.
જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ : જનતાનું સાર્વભૌમત્વ, શાસનનું લોકશાહી રીત અને ધર્મનિરપેક્ષતાનું અભિન્ન અંગ છે. બંધારણનું મૂળ માળખું ઘટકોની શક્તિઓ પર કેટલાક અંકુશ લગાવે છે. મદદ અને સલાહનો સિદ્ધાંત સામુહિક લોકતંત્રની બંધારણીય માન્યતાને મજબૂત કરે છે. લોકશાહી શાસનમાં વાસ્તવિક શક્તિ અને જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં નિહિત છે. બંધારણની કલમ ૨૩૯-એએની વ્યાખ્યામાં કોર્ટને લોકશાહી ભાવનાથી આગળ વધારવાની છે. બંધારણની કલમ ૨૩૯-એએ અંતર્ગત કોઇ મુદ્દો તુચ્છ મુદ્દો ના હોઇ શકે. આવું કરવાથી શાસન કરવું સંભવ નથી. ઉપરાજ્યપાલેસમજવાની જરૂર છે કે, તેઓ પોતે નહીં પરંતુ મંત્રી પરિષદ પર મૌલિક નિર્ણયોની જવાબદારી છે. તેઓ કોઇ બાબતને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલી શકે છે પરંતુ સ્વતંત્ર રીતે નિર્ણય લઇ શકતા નથી.
જસ્ટિસ ઓશોક ભૂષણ : પાટનગર દિલ્હી પર કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારે કાયદો બનાવવાનો વિસ્તૃત અધિકાર છે. બંધારણની કલમ ૨૩૯-એએને બાદ કરતા દિલ્હીના ઉપરાજ્યપાલે મંત્રી પરિષદની મદદ અને સલાહ પર ચાલવું પડશે. બંધારણની કલમ ૨૩૯-એએ અંતર્ગત અપાયેલી શક્તિઓ પર ફક્ત બંધારણીય જરૂર પડ્યે ઉપરાજ્યપાલ નિર્ણય લઇ શકે છે.