અમદાવાદ,તા.૨
વારંવાર ટ્રાફિકના નિયમોનું ધરાર ઉલ્લંઘન કરનારા વાહનચાલકો હવે ચેતી જજો. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આરટીઓને શહેરના ૪૦ હજાર નાગરિકોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે ભલામણ કરી દીધી છે. આ બાબતને ગંભીરતાથી લઈને RTO આગામી સપ્તાહથી વાહનચાલકને એક વાર રૂબરૂ સાંભળવાની તક આપીને રજૂઆત સાંભળવા માટે આરટીઓ કચેરીમાં બોલાવશે. કોઈ પણ વાહનચાલકને પાંચ વખત ઈ-મેમો મળ્યો હશે તો તેની ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી માટેની ભલામણ કરવામાં આવશે. ઈ-મેમોનો દંડ ભર્યો હોય કે ન ભર્યો હોય જે તે વાહનચાલકને પાંચ વખત હ્યુમન ગ્રાઉન્ડ પર આ તક આપવામાં આવશે, પરંતુ તેનાથી આગળ ચલાવી લેવામાં આવશે નહીં. દંડ ભરી દેવો તે એક માત્ર ઉપાય નથી, કોઈ પણ વ્યક્તિ અનેક વખત કાયદાના નિયમોનો ભંગ કરીને દંડ ભરી દે તેથી તે કાયદાની જોગવાઈમાંથી છટકી શકતો નથી. ટ્રાફિક વિભાગના એસીપી સુરેશ પટેલે જણાવ્યું હતું કે જોખમી ડ્રાઇવિંગ કરનારા અને વારંવાર ગુના આચરનારા વાહનચાલકો સામે અવારનવાર કેસ કરી દંડ વસૂલાય છે, પરંતુ તેની પણ એક મર્યાદા રહે છે. મોટર વિહિકલ એકટની કલમ ૧૯(એફ) અંતર્ગત આવા વાહનચાલકોના લાઇસન્સ રદ્દ કરવા કે સસ્પેન્ડ કરવાની સત્તા આરટીઓ પાસે છે તેથી આરટીઓને આ માટે ભલામણ કરવામાં આવી છે. આવા કેસોની સંખ્યા ૪૦,૦૦૦ જેટલી છે. આ અંગે આરટીઓ-અમદાવાદ એસપી મુનિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ જુદા-જુદા કારણસર આ વર્ષમાં કુલ ૩૪૦ ડ્રાઇવિંગ લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા અમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની ભલામણ કરવામાં આવી છે.