જામનગર, તા. ૨
જામનગરના દરેડ જીઆઈડીસીમાં આવેલા એક કારખાનામાં એક બાળક અકસ્માતે માલવાહક લીફટમાં ચડી ગયો હતો. તેણે રમત રમતમાં બટન દબાવી દેતા લીફટ ઉપર ચડી હતી તે દરમ્યાન આ બાળકનું છત તથા લીફટની વચ્ચે આવી જવાથી ગળું કપાઈ જતાં મૃત્યુ નિપજ્યું છે.
મધ્યપ્રદેશથી મજૂરી માટે આવેલા સંતોષભાઈ જીઆઈડીસી ફેસ-રમાં ૧૭૨ નંબરના પ્લોટમાં વસવાટ કરે છે. તેઓ ગઈકાલે જ્યારે નોકરી પર ગયા ત્યારે તેઓની સાથે વિક્રમ પણ ગયો હતો. આ બાળક તે કારખાનામાં રહેલી માલવાહક લીફટમાં રમતા રમતા ચડી ગયો હતો. તેણે લીફટમાં જઈ બટન દબાવી દેતા લીફટ ઉપર ચડવા લાગી હતી. આ વેળાએ પૂરી રીતે લીફટમાં ન રહેલા વિક્રમનું માથું ઉપર રહેલી છત તથા લીફટ વચ્ચે અકસ્માતે આવી જતાં આ બાળકે કાળજગરી ચીસ પાડી હતી જેને સાંભળીને તે કારખાનામાં હાજર લોકો દોડી આવ્યા હતા. તેઓએ લીફટની નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો તે દરમ્યાન વિક્રમનું ગળું કપાઈ ગયું હતું.આ બાળકને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી, પરંતુ તેનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું હતું. બનાવની પોલીસને જાણ કરાતા પંચકોશી-બી ડિવિઝનના જમાદાર એ.આર. જાડેજા દોડી ગયા હતા. તેઓએ આ કારખાનામાં શ્રમિક તરીકે રહેલા મલખાનસિંગ અજુદીપ્રસાદ જાટબનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે.