રાજકોટ,તા.૧૨
શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આવેલી મુખ્યમંત્રી આવાસ ક્વાટર્સની લિફ્ટના પાંચમા માળનો ડોર ખુલ્લી જતાં ત્યાંથી પટકાતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું. લિફ્ટની નબળી ગુણવત્તા અને લાપરવાહીને કારણે પ્રૌઢનું મૃત્યુ થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતા.
જેતપુરના બાવાપરા સહકારી મંડળી પાછળ રહેતા હસમુખભાઇ રતનશીભાઇ નાગર (ઉ.વ.૫૮) રાજકોટમાં ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આવેલા મુખ્યમંત્રી આવાસ વીર નર્મદ ટાઉનશિપમાં રહેતા તેમના ફઇના પુત્રીના ઘરે આવ્યા હતા. રવિવારે સવારે ૬ઃ૩૦ વાગ્યે પાંચમા માળેથી નીચે ઉતરવા હસમુખભાઇએ લિફ્ટની સ્વિચ દબાવી હતી અને લિફ્ટ પ્રથમ માળેથી ઉપર આવી રહ્યાનો એરો પણ દર્શાવવા લાગ્યો હતો અને એરો બંધ થતાં લિફ્ટ આવી ગયાનું સમજી હસમુખભાઇએ ડોર ખોલ્યો હતો. લિફ્ટનો ડોર ખુલતાં જ હસમુખભાઇ લિફ્ટમાં પ્રવેશવા અંદર ગયા હતા, પરંતુ તે સાથે જ તેઓ પહેલા માળે ઊભેલી લિફ્ટ પર પટકાયા હતા. છાતીના ભાગે ગંભીર ઇજા થતાં હસમુખભાઇને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ રવિવારે રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ રવિરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. નાગર પરિવારે આક્ષેપ કર્યો હતો કે, મુખ્યમંત્રી આવાસ યોજના વીર નર્મદ ટાઉનશિપ તાજેતરમાં જ નિર્માણ પામી હતી અને હજુ છ મહિના જેટલો પણ સમય વિત્યો નથી ત્યાં લિફ્ટના ધાંધિયા શરૂ થયા હતા.