અમદાવાદ, તા.૧
સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં લીલા દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યના ૧૦૩ તાલુકાઓમાં તો અતિગંભીર અને પપ તાલુકામાં અસામાન્ય પરિસ્થિતિ છે. ત્યારે અછત મેન્યુઅલ-ર૦૧૬ની ગાઈડલાઈન મુજબ યુદ્ધના ધોરણે ટીમ બનાવી, રાજ્યના તમામ તાલુકામાં સર્વે કરાવી નિયમોનુસાર ચૂકવવાપાત્ર સહાય સત્વરે ચૂકવવા, ખેડૂતોના પાકને રૂા.રપ હજાર કરોડ કરતા વધારે નુકસાન, ઘરવખરી, માલસામાન, ધરાશાયી થયેલ કાચા, પાકા મકાનોનો તાત્કાલિક સર્વે કરાવી ખરેખર થયેલ નુકસાનનું ૧૦૦ ટકા વળતર મળે તથા ૧૮પ માનવ મૃત્યુ તથા ૮૩૧થી વધારે પશુમૃત્યુના સહાય તાત્કાલિક ચૂકવવા વિનંતી કરી છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ માગ કરી છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને કારણે ખૂબ જ નુકસાન થયેલ છે, જનજીવન ખોરવાઈ ગયેલ છે. રસ્તાઓ ધોવાઈ જતાં વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયેલ છે. નદી- નાળા છલકાઈ જવાથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ છે, ખાતર-બિયારણ નિષ્ફળ ગયેલ છે તેમજ ગામોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી તથા માલસામાનને મોટાપાયે નુકસાન થયેલ છે અને કાચા-પાકા મકાનો પણ ધરાશાયી થયેલ હોઈ લોકોને ખૂબ મોટું આર્થિક નુકસાન થવા પામેલ છે. અતિ ભારે વરસાદને કારણે રાજ્યમાં ૧૮પથી વધારે માનવ મૃત્યુ અને ૮૩૧થી વધારે પશુઓના મૃત્યુ થયેલ છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા, પાળા અને શેઢા ધોવાઈ ગયા, ઉભો પાક ધોવાઈ ગયો, પાણીમાં ડૂબી ગયો, પાકના મૂળિયા સડી ગયા, ઝીંડવા ખરી ગયા, સતત પાણીના છોડમાં આવેલા ફૂલ અને નાના જીંડવા ભારે વરસાદને કારણે ખરી ગયા છે તથા મગફળી જમીનની અંદર જ ઉગી ગયેલ છે અને કોહવાઈ ગયેલ છે તથા બાજરીના કુંડામાં જ દાણા ઉગી ગયા છે તથા બાકી રહી ગયેલ દાણામાં ફૂગ લાગી જતા કાળા પડી ગયા છે. પવનના કારણે બાજરો, જુવાર મકાઈ, ડાંગર વગેરે પાકો ઢળી ગયેલ છે. અછત મેન્યુઅલ-ર૦૧૬ના પ્રકરણ ૩ના પારા ૩.ર.૧ મુજબ સરેરાશ વરસાદ ૧૦૦% કરતાં ર૦% વધુ હોય તો સામાન્ય સ્થિતિ, ર૦થી ૪૦% વધુ હોય તો અસામાન્ય સ્થિતિ, ૪૦થી ૬૦% કે તેથી વધુ હોય તો અતિ ગંભીર સ્થિતિ ગણાય. એ મુજબ રાજ્યના પપ તાલુકામાં અસામાન્ય સ્થિતિ અને ૧૦૩ તાલુકાઓમાં અતિ ગંભીર સ્થિતિ છે. પરિસ્થિીત અન્વયે રાજ્યના તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાકીદે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવા વિનંતી કરી છે.