અમદાવાદ, તા.૧૯
અમદાવાદમાં રૂ.૨૯૭ કરોડના ખર્ચે ૫ાંચ રેલવે ઓવરબ્રીજ અને ૧૦ રેલવે અંડરબ્રીજના પ્રોજેક્ટને પ્રથમ તબક્કે મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત શહેરમાં રેલવે ફાટક પર ૩૭ ઓવરબ્રીજ અને અંડરબ્રિજ બનાવવાના થાય છે. આગામી બે વર્ષમાં આ પ્રોજેકટ પૂર્ણ થવાનો અંદાજ છે, જેમાં ૫૦ ટકા નાણાં રાજય સરકાર તો, ૫૦ ટકા ભંડોળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, રૂ ૨૯૭.૪૫ કરોડની પ્રથમ તબક્કાની યોજનામાં રાજ્ય સરકારનો હિસ્સો ૧૫૧.૭૯ કરોડનો રહેશે. અંદાજે બે વર્ષમાં આ ૧૫ ઓવરબ્રીજ-અંડરબ્રીજ તૈયાર થયા બાદ અન્ય ઓવરબ્રીજ અને અંડરબ્રીજના પ્રોજેક્ટ શરૂ કરાશે. માત્ર અમદાવાદમાં ૭ ઓવરબ્રીજ અને ૧૪ રેલવે અંડરબ્રીજ બનાવવાના થાય છે, જે પૈકી ૧૫ પ્રોજેક્ટને પ્રથમ તબક્કે મંજૂરી અપાઈ છે. સુત્રો મુજબ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રેલવે ઓવરબ્રીજ અને અંડરબ્રીજ માટે જે રાજ્યના ખર્ચનો હિસ્સો છે તેમાં ૫૦ ટકા નાણાં રાજ્ય સરકાર આપશે અને ૫૦ ટકા રકમ કોર્પોરેશન આપવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૩૧.૭૭ કરોડના ખર્ચે કુલ ૨૪ ઓવરબ્રીજ અને અંડરબ્રીજ બનાવવાની રાજ્ય સરકારમાં દરખાસ્ત થઈ હતી.

કયા રેલવે ઓવરબ્રિજ બનશે ?

૧. નરોડા જીઆઇડીસી
૨. દક્ષિણી, મણિનગર
૩. પુનિતનગર, ઇસનપુર
૪. ઉજાલા સર્કલ, એસજી હાઇવે
૫. જગતપુર, ગોદરેજસિટી

દસ અંડરબ્રિજ કયાં કયાં બનાવાશે ?

૧. જલારામ મંદિર, પાલડી
૨. વંદેમાતરમ- ઋતુ બંગલો, ગોતા
૩. સાબરમતી, ડી-કેબિન
૪. વંદે માતરમ, ગોતા
૫. અગિયારસી મંદિર, નારણપુરા
૬. ઉમા ભવાની, ચાંદખેડા
૭. વટવા, વિંઝોલ
૮. ત્રાગડ-છારોડી
૯. આઇઓસી, ચાંદખેડા
૧૦. હેબતપુર, થલતેજ