સુરેન્દ્રનગર, તા.૧૮
લીંબડી ખાતે છેલ્લા બે-ત્રણ મહિનાથી અલગ-અલગ સોસાયટીઓમાં ઘરફોડ ચોરીના બનાવ વારંવાર બની રહ્યા છે. જેમાં અનેક મુદ્દામાલ, રોકડ, સોનુ-ચાંદી, તેમજ અન્ય ઘરવખરીની વસ્તુઓની ચોરીની સાથે-સાથે તોડફોડ પણ થઈ રહી છે. જેના પગલે નગરજનોમાં અસુરક્ષાની લાગણી જન્મી છે. પરંતુ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા દેખાઈ રહી છે. ચોરી થયાની એફઆઈઆર નોંધાવાના બદલે માત્ર જાણવા જોગ અરજી લેવામાં જ આવે છે. જેની ઊંડી તપાસ પણ થતી નથી. ગુનો બન્યો જ ના હોય એવું પોલીસ તંત્ર દ્વારા દેખાડવામાં આવી રહ્યું છે. જેથી સ્થાનિક રહીશો દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. તેમ વધુમાં જણાવ્યું છે કે પોલીસ ઈન્સ્પેક્ટરનું વર્તન પણ હોદ્દાને શોભે તેવું હોતું નથી. અમો નગરજનોની નીચે જેવી માગણીઓ છે કે શહેરની તમામ સોસાયટીમાં રાત્રી પેટ્રોલિંગ વધારવું, જે સોસાયટીઓમાં ચોરીના બનાવો બન્યા છે તેમાં હોમગાર્ડના રાત્રી પોઈન્ટ તાત્કાલિક અસરથી મુકવા તેમજ પોલીસ સ્ટેશનના માત્ર જાણવાજોગ અરજી જ લેવામાં ન આવે, તેની કાયદેસરની એફઆઈઆર નોંધવામાં આવે અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવે સહિતની માગણીઓ કરી છે. આ માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જનઆંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.