(સંવાદદાતા દ્વારા)
ડીસા, તા.૪
સુઇગામ તાલુકાના લીંબુણી ગામની સીમમાંથી પસાર થતી લીંબુણી માઇનોર કેનાલમાં રાત્રે ૫૦ ફૂટનું ગાબડું પડતાં ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઇ ખેડૂતોને નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલમાં છાશવારે ગાબડા પડી રહ્યા છે. ત્યારે નવેમ્બર માસમાં જ નવથી દસ જગ્યાએ ગાબડા પડ્યા છે. જેને લઇ ખેડૂતોને લાખોનું નુકસાન થતાં ખેડૂતોમાં કેનાલની હલકી ગુણવત્તાને લઇ ભારે રોષ ફેલાયો છે.
રાત્રે સુઇગામ તાલુકાના લીંબુણી ગામની સીમમાંથી પસાર થતી લીંબુણી માઇનોર કેનાલમાં સોઢા કરશનજીના ખેતરમાં ૫૦ ફૂટનું ગાબડું પડ્યું હતું. જેને લઇ હજારો લિટર પાણી વળી ગયું હતું. જે પાણી ખેડૂતના ખેતરમાં ઉભેલા શિયાળુ પાકોમાં ફરી વળતા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી હતી. આ અંગે સોઢા કરનશજીએ જણાવ્યું હતું કે, ‘કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કેનાલમાં કામ કરાતાં કેનાલો તૂટી રહી છે જેનું નુકસાન અમારે ખેડૂતોએ ભોગવું પડે છે.’ જેને લઇ ખેડૂતોને નુકસાન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ઠેર ઠેર કેનાલમાં ગાબડાં તૂટવાનું કારણે કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવતું હલકી ગુણવત્તાનું કામ જવાબદાર છે.
છેલ્લા એક મહિનામાં નવ વાર આવી ઘટના બનવા છતાં કોઈ પગલાં ન લેવાતા રોષ ફેલાયો છે.