(સંવાદદાતા દ્વારા) ઉના, તા.રપ
ગીરગઢડા તાલુકાના કાંધી, પડાપાદર તેમજ ઊંટવાળા ગામમાં સિંહ પરીવારે ધામા નાખ્યા હોય તે મોડી રાત્રીના શાંત વાતાવરણ વચ્ચે સિંહ પરીવાર શિકારની શોધમાં ગામમાં ધૂસી આવી અલગ-અલગ ગામોમાં ૫ જેટલી ગાયોના મારણ કર્યા હતા અને આ મારણ કર્યા બાદ સિંહ પરિવારે વહેલી સવાર સુધી મિજબાની માણી હતી અને વહેલી સવારે પરત જંગલ તરફ જતાં રહ્યા હતા. આમ ત્રણેય ગામોમાં જુદા-જુદા વિસ્તારોમાં ૫ જેટલી ગાયોના મારણથી ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાયેલ જોવા મળેલ હતું. જો કે, હાલ ચોમાસાની ૠતુ દરમ્યાન સિંહોને ભારે ભૂખ લાગતી હોવાના કારણે શિકારની શોધમાં ગામમાં ધૂસીને મુંગા પશુઓને શિકાર બનાવી લેતા હોય છે. ઊંટવાળા ગામમાં મધ્યરાત્રીના ત્રણ સિંહો આવી ચડતા ગાય પર હુમલો કરી મારણ કરેલ બાદમાં મિજબાની માણતા હોય ત્યારે ગાયમાં અફડાતડટી મચી જતાં આ વિસ્તારના લોકો જાગી ગયેલ અને મારણનો કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો. આમ અવાર-નવાર આવા ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડતા સિંહોને વનવિભાગ દ્વારા દૂર ખસેડવા ગ્રામજનોની માંગ ઉઠવા પામેલ છે.