જૂનાગઢ,તા.૧૪
વિશ્વ વિખ્યાત એશિયાઈ સિંહોના રહેઠાણ સમા ગીર અભ્યારણ્ય વિસ્તારમાં અકુદરતી રીતે સિંહોના થતા મૃત્યુ, અકસ્માત, ગેરકાયદેસર લાયન-શો, ગેરકાયદેસર ચાલતી હોટલો તેમજ જંગલમાં બનતા અન્ય ગુનાઓ રોકવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી અને કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.
જૂનાગઢના રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં મળેલી એક મહત્વની બેઠકમાં જરૂરી સુચનો અને આદેશ જારી કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સિંહના રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત પ્રવૃતિ અને શંકાસ્પદ લોકોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા ર૪મી મંથલી મોનીટરીંગ કમિટીની એક મીટિંગ તા.૧૩/પ/૧૯ના રોજ યોજવામાં આવેલ હતી. આ મીટિંગમાં વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢના મુખ્ય સંરક્ષક ડી.ડી. વસાવડા તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ જૂનાગઢ,ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર વગેરે જિલ્લાના પોલીસ અધિક્ષક તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર વગેરે વિસ્તારના પીજીવીસીએલ વિભાગના સુપ્રિન્ડેન્ડેન્ટ ઈજનેર, એફએસએલ જૂનાગઢ, ભુસ્તર શાસ્ત્રશ્રી ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ, જિલ્લાશ્રમ અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીઓ તેમજ પશ્ચિમ રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા. આ મીટિંગમાં ગત મીટિંગમાં લેવાયેલ નિર્ણયોની અમલવારી અને સમીક્ષા કર્યા બાદ સિંહના રક્ષણ માટે પોલીસ, ફોરેસ્ટ તથા પીજીવીસીએલના અધિકારીઓનું સંયુક્ત પેટ્રોલીંગ ગોઠવવા, રેલવે ટ્રેક ઉપર સિંહોના આકસ્મિક મૃત્યુના બનાવોને ધ્યાનમાં રાખી રેલવે ટ્રે ઉપર ફાઈબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રેનના ચાલકને અગાઉથી જ એલાર્મ દ્વારા સિંહોના આવન-જાવન અંગે સતર્ક કરી આવઅ આકસ્માતો નિવારવા નિર્ણય લેવામાં આવેલ છે અને ચંદનના લાકડાની ચોરીના બનાવો અંગે તથા જંગલમાં બનતા અન્ય ગુનાઓ રોકવા માટે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી, વનસંરક્ષકશ્રી, વન્ય પ્રાણી રક્ષણની સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરી અને કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર ચાલતી હોટલો તથા ગેરકાયદેસર લાયન શો રોકવા માટે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ એક યાદીમાં જણાવેલ છે.