અમદાવાદ, તા.૮
કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત સંકલિત વન્યજીવન રહેણાંક વિકાસ યોજના (સી.એસ.એસ.-આઇ.ડી.ડબલ્યુ.એચ.) હેઠળ કેન્દ્ર સરકારે પાછલાં ત્રણ વર્ષોમાં સિંહના સંવર્ધન માટે રૂા.૨૩.૧૬ કરોડ, હાથી માટે રૂા.૭૫.૮૬ કરોડ અને વાઘ માટે રૂા.૧૦૧૦.૬૯ કરોડ આપ્યા છે. ભારત સરકારે ગુજરાત સરકાર સાથે મળીને કુલ રૂા.૯૭.૮૫ કરોડના અંદાજપત્ર ધરાવતા એક પ્રોજેક્ટ એશિયાટીક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી રાજ્ય સભામાં જુલાઈ ૮,૨૦૧૯ના રોજ સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ કરી હતી. મંત્રીના નિવેદન અનુસાર, કેન્દ્ર સરકારે આ યોજના અંતર્ગત એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં અનુક્રમે રૂા.૧.૦૯ કરોડ, રૂા.૨.૨૪ કરોડ અને રૂા.૧૯.૮૩ કરોડ આપ્યા હતા. તેવી જ રીતે સી.એસ.એસ.-પ્રોજેક્ટ એલિફન્ટ અંતર્ગત રૂા.૨૧.૨૦ કરોડ, રૂા.૨૪.૯૦ કરોડ અને રૂા.૨૯.૭૬ કરોડ આ જ સમયગાળામાં આપ્યા હતા. સી.એસ.એસ.-પ્રોજેક્ટ ટાઇગર અંતર્ગત રૂા.૩૪૨.૨૫ કરોડ, રૂા.૩૪૫ કરોડ અને રૂા.૩૨૩.૪૪ કરોડ છેલ્લાં ત્રણ વર્ષમાં આપ્યા હતા. વન વિભાગે એશિયાઇ સિંહોના સંવર્ધન માટે લીધેલા પગલાંઓ, છેલ્લાં ત્રણ વર્ષમાં એશિયાઇ સિંહોની સાથે-સાથે વાઘ અને હાથીઓના સંવર્ધન માટે આપવામાં આવેલી રકમ અને સરકાર સિંહો અને હાથીઓના નિદાન માટે આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાનું નિર્માણ કરવા વિચારી રહી છે કે કેમ તે અંગે સાંસદ પરિમલ નથવાણી જાણવા માંગતા હતા. રાજ્યના વન વિભાગે વન્યજીવન (રક્ષણ) કાનૂન, ૧૯૭૨ અન્વયે પાણિયા, મિતિયાળા અને ગીરનારને અભ્યારણ્ય તરીકે જાહેર કરીને વધારાનો ૨૩૬.૭૩ કિલોમીટરનો વિસ્તાર સિંહના વસવાટ તરીકે જાહેર કર્યો છે, એમ તેમણે જણાવ્યું. મંત્રીના નિવેદન અનુસાર, ગુજરાત સરકારે સિંહોના સંવર્ધન માટે પાંચ વર્ષના ગાળા માટે રૂા.૨૩૧.૦૦ કરોડની ફાળવણી કરી છે, જેમાં માનવ-પ્રાણી ઘર્ષણમાં ઘટાડો કરવા પર ભાર મૂકાશે.