(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.રપ
ભરૂચના શ્રવણ ચોકડી શિલ્પી સ્કવેર ખાતે ગ્રુપ ફાયનાન્સ કન્સલ્ટન્ટના નામે ઓફિસ ખોલી ચપટી વગાડતા લાખો કરોડોની લોન અપાવવાના બહાને જયેશ પટેલ નામનો ગઠિયો લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી ફરાર થઈ જતા ચકચાર વ્યાપવા પામી છે.
ભરૂચના શ્રવણ ચોકડી શિલ્પી સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્ષ ખાતે કહેવાતા જયેશ પટેલ નામના શખ્સ દ્વારા દૈનિક અખબારમાં ફક્ત પાંચ દિવસમાં કોઈ પણ રૂા.૧ લાખથી ર કરોડ સુધીની લોન મેળવો જેવી મસમોટી જાહેરાત કરી લાખો રૂપિયાની લોન અપાવવાની લોભામણી લાલચમાં ભરૂચ, અંકલેશ્વર, વાગરા, આમોદ સહિત પંથકમાં સેંકડો લોન વાંચ્છુકોને પ્રોસેસિંગ ફીના રૂા.૪પ૦૦ તેમજ લોન રકમના રૂા.૧ લાખ દીઠ રૂા.૪૦૦૦ વિમાની રકમ પેટે અલગ-અલગ લોકો પાસેથી હજારો રૂપિયા ખંખેરી લઈ બેન્કના ખોટા સેક્શન લેટરો બતાવી ર૦૦થી ૩૦૦ ઉપરાંત લોકોને લાખો રૂપિયામાં નવડાવી દીધા હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. જો કે હાલ ગ્રુપ ફાઈનાન્સ કન્સલ્ટન્ટ ઉપર તાળા વાગી ગયા છે અને તેનો કહેવાતો સંચાલક જયેશ પટેલ પણ રફૂચક્કર થઈ ગયો છે. છેતરપિંડીનો ભોગ બનેલા અલગ-અલગ યુવાનો અને લોકો માહિતીના અભાવે ફરિયાદ નોંધાવી શક્યા નથી. પરંતુ સિટી ચેનલ દ્વારા પ્રસ્તુત જયેશ પટેલ નામના આ ભેજાબાજના એકસકલુઝીવ વીડિયો ઉપલબ્ધ થવા પામ્યા છે. પોલીસતંત્ર આ અંગે સક્રિય બની સુઓમોટો ફરિયાદ દાખલ કરી તપાસ આરંભે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનિય છે. કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે પરંતુ હવે લોકોએ સતર્ક થવાની જરૂર છે. વાચક મિત્રોને વિનંતી કે તેઓ ગ્રુપ ફાયનાન્સ કન્સલ્ટન્ટના નામે લાખોનું ફુલેકુ ફેરવનાર જયેશ પટેલ નામના આ શખ્સને ઓળખે અને લોકોને તેની છેતરપિંડીનો ભોગ બનતા અટકાવે.