અમદાવાદ,તા.૧૭
નરોડામાં લકી ડ્રો જેવી લોભામણી જાહેરાત આપીને સંખ્યાબંધ લોકો સાથે ચીટિંગ કરનાર બે શખ્સ વિરુદ્ધમાં વધુ એક ફરિયાદ થઇ છે. નરોડામાં રહેતા સીએનાં માતા અને બહેને લોભામણી લાલચમાં આવી જઇને લકી ડ્રોમાં પ૦ હજાર રૂપિયા ભરી દીધા હતા. સ્કીમ પ્રમાણે બન્ને જણાને રૂપિયા નહીં મળતાં તેમણે પોલીસ ફરિયાદ કરી છે.
નરોડામાં આવેલ યશ પ્લેટિનામાં રહેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિદ્ધાર્થ સથવારાએ નરોડા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે કે બે મહિના પહેલા કાટોડિયા ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડની બમ્પર ડ્રોની સ્કીમની જાહેરાત ગોપાલ ભરવાડ અને મહેશ ભરવાડે કરી હતી. બંને જણાએ સ્કીમ કરી હતી કે દર મહિને એક હજાર રૂપિયાની રોકાણ કરવાનું રપ મહિના સુધી. દર મહિને લકી ડ્રો થશે, જે સભ્ય લકી વિનર બનશે તેણે બીજા હપ્તા ભરવાના નહીં. સ્કીમ પૂરી થતાં જેને ડ્રો લાગ્યો ના હોય તેને ૩૦ હજાર રૂપિયા રોક્ડ અથવા તો ૩ર હજાર રુપિયાનું સોનું મળશે.
સિદ્ધાર્થની માતા અને બહેને આ ડ્રોમાં ભાગ લીધો હતો અને રપ મહિના સુધી બન્ને જણાએ પ૦ હજાર રૂપિયા ભર્યા હતા. માતા પુત્રીએ રૂપિયા અથવા સોનું માગતાં ગોપાલ અને મહેશે ચેક આપ્યા હતા. ચેક બાઉન્સ થતાં તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે.