(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં સામાન્ય બાબતે મામલો ગરમાતા પોલીસે મહિલાઓ સહિત બાળકોને પોલીસ સ્ટેશન લઇ જઇ લોકઅપમાં પુરી દીધા હોવાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ કાયદો ભુલી કે શું ? તેવા પ્રશ્નાર્થ સાથે વાયરલ થઇ રહેલા વિડીયો અંગે કોંગ્રેસ દ્વારા ઘટનાને વખોડી તપાસની માંગ કરાઇ હોવાનું જાણવા મળે છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં ગતરોજ સાતમી મેએ બાઈક બાળક સાથે અથડાતાં મામલો ગરમાયો હતો. જે અંગે લિંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાઓ સહિત બાળકોને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યાં હતાં. મહિલાઓ સહિત બાળકો પોલીસ લોકઅપમાં સૂઈ ગયા હોય તેમ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાથે લોકઅપની અંદર અને બહાર પણ બાળકો વીડિયોમાં જોઈ શકાય છે. જેથી સોશિયલ મીડિયામાં લિંબાયત પોલીસ કાયદો ભુલી કે શું તેવા પ્રશ્નો સાથે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ દ્વારા ઘટનાને વખોડી કાઢીને તપાસની માંગ કરવામાં આવી છે. સાથે જ મહિલાઓ દ્વારા પોલીસ સ્ટેશનના પીઆઈ એન ડી સોલંકીની બદલીની માંગ પણ કરવામાં આવી છે.