મહિલા પ્રદર્શનકારીઓ ઉપર સેનાએ ટીયરગેસના સેલ છોડયા

(એજન્સી)          શ્રીનગર, તા.ર૮

શ્રીનગર અને કાશ્મીરના બીજા ભાગોમાં સ્વતંત્રતાની માગણી કરનાર પ્રદર્શનકારીઓ અને સેના વચ્ચે સંઘર્ષ ચાલુ જ છે. આજે કાશ્મીરની અશાંતિ ૮૧મા દિવસમાં પ્રવેશી હતી. સ્વતંત્રતા માટે કૂચ કરવા મહિલાઓએ અમુક સ્થળોએ પ્રદર્શનો યોજ્યા હતા. શ્રીનગરમાં સૌથી મોટી કૂચ દુખ્તરાન-ઈ-મિલ્લતેની મહિલા પ્રદર્શનકારીઓએ બઢામાલુમાં યોજી હતી. મહિલાઓ બેનરો સાથે સ્વતંત્રતા તરફી અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહી હતી. સૈન્યે મહિલાઓની કૂચને રોકવા ટીયરગેસના સેલ છોડયા હતા જેથી અમુક મહિલાઓને ઈજાઓ થઈ હતી. એ પછી યુવાઓ અને સૈન્ય વચ્ચે સંઘર્ષ થયો, યુવાઓએ પથ્થરમારો કર્યો અને સૈન્યે ટીયરગેસ અને પેલેટગનથી વળતો પ્રહાર કર્યો હતો જેનાથી અનેક યુવાઓને ઈજાઓ થઈ હતી. પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી જેથી પરિસ્થિતિ બગડી હતી. લોકો એમને છોડવાની માગણી કરી રહ્યા હતા. જનાબ સાહેબ અંસાર ઉપર મહિલાઓએ કૂચ કાઢી હતી અને સ્વતંત્રતા તરફી સૂત્રોચ્ચાર કર્યા હતા. સૈન્યે એમને રોકયા હતા પણ મહિલાઓ રોકાઈ ન હતી જેથી સૈન્યે ટીયરગેસના સેલ છોડયા હતા. શ્રીનગરના સૌરા વિસ્તારમાં પણ સેના અને યુવકો વચ્ચે સંઘર્ષ થયો હતો. પ્રદર્શનકારીઓ ધરપકડ કરાયેલ હમાત અહમદ દારને પણ છોડવાની માગણી કરી રહ્યા હતા. સોપોરના બોટેન્ગુ વિસ્તારમાં પણ મહિલાઓએ પ્રદર્શનો કર્યા હતા. મહિલાઓની બીજી કૂચો ત્રાલ, દાદસરા, બુગામ અને નિકાસ વિસ્તારોમાં યોજાઈ હતી. દુખ્તરાન-એ-મિલ્લતની આગેવાની હેઠળ યોજાયેલ રેલીમાં હજારો લોકો જોડાયા હતા. પોમ્પોર શહેરમાં સેના સાથેના સંઘર્ષમાં ઓછામાં ઓછી ૧પ વ્યક્તિઓ ઘવાઈ હતી. ઈજા પામેલ ૬ વ્યક્તિઓને પોમ્પોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર ઈજા થયેલ લોકોને શ્રીનગર ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા કે સેનાએ પાણીનો પુરવઠો ખોરવ્યો હતો અને સાત પાવર ટ્રાન્સફોર્મરોને નુકસાન પહોંચાડયું હતું. સ્થાનિકોએ આક્ષેપો મૂકયા છે કે સૈન્ય લોકોમાં ભય ઊભો કરવા એમને ઘરો અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. સેનાએ પાંચ ટ્રાન્સફોર્મર્સને નુકસાન પહોંચાડવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. મની ગામમાં મહિલાઓ અને પુરૂષો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા હતા. કુલગામ જિલ્લામાં રાયવોરા, ક્યુઈમોહ વિસ્તારમાં સૈન્યે મહિલાઓને માર માર્યો હતો. હુર્રિયત નેતાએ ફરિયાદ કરી કે સેનાએ રાત્રે એમના ઘરે દરોડો પાડયો અને કુટુંબીજનોને માર માર્યો હતો. જ્યારે નેતા ઘરે ન મળ્યા ત્યારે એમના પુત્ર અબ્દુલ લતીફની ધરપકડનો વિરોધ કરી રહેલ એમની પત્નીને સેનાએ માર માર્યો હતો. સેનાનો ત્રાસ એ હદે વધી ગયો છે કે એ હવે મહિલાઓને પણ છોડતી નથી. સેંકડો વિદ્યાર્થીઓ જેમાં છોકરીઓ વિશેષમાં હતી એ બધા જામીયા મસ્જિદ પાસે ભેગા થઈ ગયા અને એલાન કર્યું કે જ્યાં સુધી કાશ્મીરનો પ્રશ્ન નહીં ઉકેલાશે અમે પરીક્ષાઓ નહીં આપીશું. ગઈ મોડી રાત્રે શ્રીનગરના સૌરા વિસ્તારમાં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો પણ કોઈને ઈજા થઈ ન હતી. આ હુમલાના પગલે સર્ચ ઓપરેશન કર્યું હતું પણ કોઈની ધરપકડ કરાઈ ન હતી. કિશ્તવારમાં છેલ્લા ત્રણ દિવસથી કરફ્યુ ચાલુ છે ત્યાંથી પોલીસે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે કુલગામમાં હુમલાની ઘટના નોંધાઈ હતી. તોફાનીઓએ પંચાયતની ઓફિસ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસે છેલ્લા ર૪ કલાકમાં પ૧ તોફાનીઓની ધરપકડ કરી છે.