(એજન્સી) કોલકાતા, તા.૮
પ.બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે એક દિવસ પહેલાં કહ્યું હતું કે, ડાબેરીઓને માર મારવો જ જોઈએ. આજે એમણે વધુ વિવાદિત નિવેદન આપતાં કહ્યું છે કે, જેએનયુમાં થયેલ હુમલો પૂર્વ આયોજિત ઘટના હતી. મીડિયા સાથે વાતચીત કરતાં એમણે કહ્યું કે, હજુ સુધી પૂરવાર નથી થયું કે, જેએનયુએસયુની અધ્યક્ષા આઈશી ઘોષને જે ઈજા થઈ છે એ ખરી છે કે નહીં. એમના માથામાં લોહી છે અથવા રંગ છે. ઘોષે કહ્યું કે, હવે બહાર આવી રહ્યું છે કે, જેએનયુની ઘટના પૂર્વયોજિત હતી. આ એક ષડયંત્ર છે જેના દ્વારા સીએએ સામેના વિરોધને ફરીથી શરૂ કરી શકાય. એમણે પ્રશ્ન કર્યો કે એ કઈ રીતે સંભવિત છે કે બહારથી બુકાની પહેરી લોકો ઘૂસી આવે અને વિદ્યાર્થીઓને માર મારે ? અને પછી એ તરત જ ગુમ થઈ જાય ? એમણે પોતાની બુકાની ઉતારી હશે અને વિદ્યાર્થીઓના ટોળામાં સામેલ થઈ ગયા હશે અથવા જે વિદ્યાર્થીઓએ એમને બોલાવ્યો હશે એમણે જ એમને છુપાવી રક્ષણ આપ્યું હશે. દિલીપ ઘોષે કહ્યું કે, ડાબેરીઓ અને વિપક્ષો હતાશ થઈ ગયા છે. એ બધા પોતાનો અસ્તિત્વ ટકાવવા દેશમાં અવ્યવસ્થા ફેલાવી રહ્યા છે. સોમવારે એમણે કહ્યું હતું કે, ડાબેરીઓ દાયકાઓ સુધી ખોટું વર્તન કરતા આવે છે. એમની સાથે આવું થવું જોઈએ. આ અસામાન્ય નથી. જો કે, શિક્ષણ સંસ્થાઓ હિંસાના સ્થળો નથી પણ ડાબેરી પ્રભુત્વવાળા રાજ્યો કેરળ, બંગાળ અને ત્રિપુરામાં જ શિક્ષણ સંસ્થાનોમાં હિંસા થાય છે.