ભરૂચ, તા.૧૬
ભરૂચના કાંઠે નર્મદા સૂકીભઠ બની સફેદ રણમાં ફેરવાતા નર્મદાપ્રેમીઓ સહીત માછીમાર સમાજમાં પણ રોષની લાગણી ફેલાવા પામી છે. સૌ કોઇ પોત પોતાના પ્રયાસો થકી નર્મદાને પુનઃ જીવીત કરવા પ્રાર્થના તેમજ આવેદન, પ્રાર્થનાપત્ર આપી નર્મદામાં પાણી છોડવાની અને નર્મદાને બંને કાંઠે વહેતી કરાય તેવી માંગ કરી રહ્યા છે. ભરૂચમાં પણ સમસ્ત માછીમાર સમાજ દ્વારા મોટી સંખ્યામાં નર્મદાને બચાવવા પ્રાર્થના પત્ર રૂપી આવેદન પોતાના લોહીથી લખી કલેકટરને આવેદન રૂપે આપવામાં આવ્યું હતું. સાથે સહી ઝુંબેશ પણ હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં માછીમાર સમાજ જોડાયો હતો. તેમણે નર્મદા ડેમથી ભાડભુત સુધીના ૧૬૧ કીમીના વિસ્તારમાં વહેતી નર્મદા નદી સુકીભઠ બની ચૂકી છે. નદીના નીર સૂકાઇ જતાં ખેતી, પ્રવાસન, માછીમારી, ઉદ્યોગો સહિતના ક્ષેત્રમાં માઠી અસર જોવા મળી રહી છે. નર્મદા નદીમાં દરિયો સવાર થઇ જતાં પાણીમાં કલોરાઇડનું પ્રમાણ વધી ગયું છે. ભાડભુતથી નાંદ સુધીના ૬૧ કીમીના વિસ્તારમાં નદીના પાણી પીવાલાયક રહ્યા નથી. પોતાના લોહીથી લખેલ પ્રાર્થના પત્રમાં ઉલ્લેખાયું છે કે, સરદાર સરોવર ડેમમાંથી પાણી નહીં છોડવાના કારણે ગુજરાતના વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નદીના બેઉં કિનારા સૂકાભઠ બનયા છે. નદી સૂકાઇને મીઠાનું રણ બની છે. જેથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે સાથે પશુ, પક્ષીઓ પણ તરસે તડફડી રહ્યા છે. વિશ્વની સૌથી પૌરાણિક મહાત્મય ધરાવાતી નર્મદાની પરિક્રમા પણ ખંડીત થઈ રહી છે. ઓછા પાણીના પગલે નર્મદાની સંસ્કૃતી સાથે જીવ સૃષ્ટી પણ નષ્ટ થવાના આરે છે. નર્મદા પર નભતા હજારો કિસાન, માછીમારો, માલધારી પણ બેકારીના ખપ્પરમાં હોમાયા છે. આવી પરિસ્થિતિમાં નર્મદાને પુનઃ જીવીત કરવા સરદાર સરોવર ડેમમાંથી ૬૦૦૦ કયુસેક પાણી છોડવા માછીમાર સમાજે માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભરૂચના કાંઠે સૂકીભઠ બનેલી નર્મદા નદીના મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ કેન્દ્ર અને રાજય સરકારને નોટિસ પાઠવી છે. ડાઉનસ્ટ્રીમમાં નદીને જીવંત કરવટ માટે ડેમમાંથી રોજના ૧,૫૦૦ કયુસેક પાણી છોડવાની માંગ સાથે પર્યાવરણ પ્રેમી સંસ્થાઓએ કરેલી રીટ પીટીશનનો સુપ્રિમ કોર્ટે સ્વીકાર કર્યો છે. આ સંદર્ભમાં વન અને પર્યાવરણ મંત્રાલય સહીતના વિભાગો પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.