મુંબઈ, તા.૭
બાંગ્લાદેશ ક્રિકેટ માટે મેદાનની બહાર એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. વન-ડે ટીમના કપ્તાન મશરફ મોર્તઝાને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મોર્તઝાએ પોતાના પરિવારને ખાંસી દરમ્યાન લોહીની ઉલટી થવાની ફરિયાદ કરી હતી.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના દેબાશિષ ચૌધરીએ મોર્તઝાની તબિયતને લઈ જણાવ્યું કે મોર્તઝાને વધારે ગંભીર બિમારી થઈ નથી. તેને સવારે લોહીની ઉલટી થઈ હતી અને તે પરિવાર સાથે હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયો હતો. તેના બધા રિપોર્ટ બરાબર આવ્યા છે. તે પૂરી રીતે સ્વસ્થ છે અને તે વધારે સમય હોસ્પિટલમાં એડમીટ રહેશે નહીં. મશરફ મોર્તઝા બાંગ્લાદેશ વન-ડે ટીમનો કપ્તાન છે તેણે ચેમ્પિયન ટ્રોફી ર૦૧૭માં ટીમનું નેતૃત્વ કર્યુ અને બાંગ્લાદેશની ટીમ પહેલીવાર ચેમ્પિયન ટ્રોફીની સેમીફાઈનલમાં પહોંચી હતી. ર૦૦૧માં પદાર્પણ કરનાર ૩૩ વર્ષીય જમોડી ઝડપી બોલર મોર્તઝાએ બાંગ્લાદેશ માટે ૩૬ ટેસ્ટ, ૧૭૯ વન-ડે અને પ૪ ટ્‌વેન્ટી-ર૦ મેચ રમી છે.