(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.ર૧
વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પીટલના બ્લડ બેંકનું સુકાન લોહીનાં દલાલોના હાથમાં હોય, દર્દીઓને નિઃશુલ્ક મળવા પાત્ર લોહી બ્લડની આસપાસ અડ્ડો જમાવીને બેઠેલા દલાલો દર્દીઓનાં સગા પાસેથી ઉંઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વ્યવસ્થીત ચાલતા ષડયંત્રમાં બ્લડ બેંકનાં કર્મચારીઓથી લઇને કેટલાક તબીબો સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ દલાલોના નક્કી કરેલા કેટલાક રીક્ષા ચાલકો પણ રાત-દિવસ ધંધાના બહાને પડયા પાથરીયા રહે છે. આ સમગ્ર ભ્રષ્ટાચારનું તંત્ર તબીબોની નજર સામે જ ચાલી રહ્યું હોવા છતાં માથાભારે દલાલો સામે એક હરફ ઉચ્ચારવાની હિંમત દર્શાવી શકતું નથી. કાશ…. કદાચ આ લોહીના વેપારમાં તેઓ પણ સામેલ હોવાની શકયતાને નકારી શકાય તેમ નથી.
બે દિવસ અગાઉ જ સિક્યુરીટીના જવાનોએ ચૈનાની પ્રસ્તૃતિ વોર્ડ પાસેથી એક અકબર નામના રીક્ષા ચાલકને લોહીનો વેપાર કરતાં ઝડપી પાડયો હતો. પરંતુ સિક્યુરીટીનાં જવાનોએ તેની પુછપરછ કરીને રાવપુરાને સોંપ્યો હતો.
માહિતગાર સુત્રોના જણાવ્યાનુસાર સયાજી હોસ્પીટલમાં બ્લડના કર્મચારી સ્ટાફ દ્વારા જ કૃત્રિમ અછત ઉભી કરવામાં આવે છે અને ગરીબ અને મધ્યમવર્ગનાં દર્દીઓને ખાનગી બ્લડ બેંકોમાંથી બ્લડ લેવા માટે મજબુર કરી રહ્યા છે. અલબત્ત બ્લડ બેંકના સ્ટાફ કર્મચારીઓનાં પાપે જ સયાજી હોસ્પીટલમાં લોહીનાં દલાલોનો રાફડો ફાટી નિકળ્યો હોવાનું કહેવાઈ રહ્યું અને બ્લડ બેંકના સ્ટાફ કર્મચારીઓ સાથે સતત સીધા સંપર્કમાં રહેતો ભરત સિંધી નામનો શખ્સ કોણ એ… હોસ્પીટલમાં ચર્ચાનો વિષય બન્યો હતો.