(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૧૬
કર્ણાટકમાં સરકાર બનાવવા ભારે ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ અને જેડીએસે સત્તા મેળવવા માટે હાથ મિલાવી લીધા છે જ્યારે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હોવા છતાં સત્તાથી વંચિત રહી ગયું છે. જોકે, ભાજપ હજુ પણ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યો છે. બંને પક્ષો તરફથી ધારાસભ્યોને ખરીદવાના આરોપ લાગી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના ઘણા ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે, ભાજપે તેમને મંત્રી પદની ઓફર કરી છે. બીજી તરફ ભાજપે કહ્યું છે કે, કોઇપણ ભોગે બહુમતી મેળવીને દેખાડશે તેથી તેમને જ સરકાર બનાવવા માટે આમંત્રણ મળવું જોઇએ. દરમિયાન કોંગ્રેસ તરફથી બેંગ્લુરૂમાં રણનીતિ બનાવી રહેલા ગુલામનબી આઝાદે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ અમારા ધારાસભ્યોને ધમકાવી રહ્યો છે, તેમના પર દબાણ લાવી રહ્યો છે, ભાજપને લોકતંત્ર પર વિશ્વાસ નથી. જો રાજ્યપાલ બંધારણીય મૂલ્યોનું પાલન નહીં કરે અને અમને સરકાર બનાવવા માટે આમંત્રિત નહીં કરે તો અહીં ખુની સંઘર્ષ થશે. કોંગ્રેસના ધારાસભ્યો અસંતુષ્ટ હોવાની અફવાઓ ફેલાવાઇ રહી છે જોકે, વાસ્તવિકતા એ છે કે, ખુદ ભાજપના સભ્યો જ અસંતુષ્ટ છે. ગુલામનબી આઝાદે કહ્યું કે, રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનેલી ભાજપ પાસે બહુમતીનો આંકડો નથી તેની પાસે ૧૦૪ બેઠકો છે જ્યારે અમારી પાસે ૧૧૭ બેઠકો છે. રાજ્યપાલ પક્ષપાતી ના હોઇ શકે. શું બંધારણને બચાવવા રાજભવનમાં બેસેલી વ્યક્તિ જ તેને નષ્ટ કરી દેશે ? એક રાજ્યપાલે પોતાના જુના તમામ સંબંધો સમાપ્ત કરી દેવા પડે છે. પછી તે ભાજપ હોય કે પછી આરએસએસ હોય.