નવી દિલ્હી,તા.૧૨
વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ ટી-૨૦ સીરિઝ પછી સારી બેટિંગ કરવાના લીધે ભારતીય કપ્તાન વિરાટ કોહલીને ફાયદો થયો છે. તે આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં પાંચ સ્થાનના ફાયદા સાથે દસમા ક્રમે આવી ગયો છે. કોહલીના ૬૮૫ પોઈન્ટ્‌સ છે. જયારે ઓપનર લોકેશ રાહુલને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે ૭૩૪ પોઈન્ટ્‌સ સાથે છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાનનો બાબર આઝમ ૮૭૯ પોઈન્ટ્‌સ સાથે પહેલા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના આરોન ફિન્ચ ૮૧૦ પોઈન્ટ્‌સ સાથે બીજા અને ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન ૭૮૨ પોઈન્ટ્‌સ સાથે ત્રીજા સ્થાને છે. રોહિત શર્માને એક સ્થાનનું નુકસાન થયું છે. તે ૬૮૬ પોઈન્ટ્‌સ સાથે નવમા સ્થાને છે.
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ વિન્ડીઝ સામેની ત્રણ ટી-૨૦માં ૧૮૩ રન કર્યા હતા. આ દરમિયાન તેણે બે ફિફટી મારી હતી. કોહલીએ અંતિમ મેચમાં ૨૯ બોલમાં ૭૦ રન ફટકાર્યા હતા. જયારે પ્રથમ ટી-૨૦માં ૫૦ બોલમાં ૯૪ રનની ઇનિંગ્સ રમી હતી. કોહલી માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. તે વનડે અને ટેસ્ટમાં વર્લ્ડ નંબર ૧ બેટ્‌સમેન છે.

ટી-૨૦માં ટોપ-૧૦ બેટ્‌સમેનઃ
રેન્ક ખેલાડી રેટિંગ પોઈન્ટ્‌સ
૧ બાબર આઝમ (પાકિસ્તાન) ૮૭૯
૨ આરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા) ૮૧૦
૩ ડેવિડ મલાન (ઇંગ્લેન્ડ) ૭૮૨
૪ કોલિન મુનરો (ન્યુઝિલેન્ડ) ૭૮૦
૫ ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) ૭૬૬
૬ લોકેશ રાહુલ (ભારત) ૭૩૪
૭ એવીન લુઈસ (વેસ્ટ ઇન્ડિઝ) ૬૯૯
૮ હઝરતુલ્લાહ ઝઝાઈ (અફઘાનિસ્તાન)૬૯૨
૯ રોહિત શર્મા (ભારત) ૬૮૬
૧૦ વિરાટ કોહલી (ભારત) ૬૮૫