(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
ઝારખંડના સરાયકેલામાં બાઇક ચોરીની શંકાએ હિંસક ટોળા દ્વારા ઢોર માર મારવામાં આવેલા તબરેઝ અન્સારીને ન્યાય અપાવવાની માગણી અંગે સેંકડો લોકો બુધવારે જંતર-મંતર ખાતે એકત્રિત થયા હતા. એક વીડિયોમાં તબરેઝને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવી રહ્યો છે અને હુમલાખોરો તેને જય શ્રીરામ અને જય હનુુમાન બોલવા માટે કહેતા જોવાય છે. મોબ લિંચિંગ સામે નાગરિક નેતૃત્વવાળી પહેલ યુનાઇટેડ અગેન્સ્ટ હેટ દ્વારા વિરોધ પ્રદર્શનનુું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનકલાબ ઝિંદાબાદના સૂત્રોચ્ચારો વચ્ચે રાજકીય કાર્યકર ઉમર ખાલિદે કહ્યું કે દેશમાં ભયનો માહોલ છે. આ કોઇ અલગ મામલો નથી, અગાઉ પણ લોકોને હિંસક કટ્ટરવાદી ટોળા દ્વારા ક્રૂર રીતે રહેંસી નાખવામાં આવ્યા છે અને આજે આપણે એના પર બોલીશું નહી ં તો, આ હત્યાઓ ચાલુ રહેશે. અમારી લડાઇ આરોપીઓને માળા પહેરાવીને પોતાની રાજકીય રેલીઓમાં આગળની સીટ આપી આ હત્યાઓને સામાન્ય બનાવી દેનારાઓની વિરૂદ્ધમાં છે. એક સંયોજક નદીમ ખાને તબરેઝની વિધવા સાઇસ્તા પરવીનને કોલ કર્યો, સ્પીકર પર આ કોલ કરવામાં આવ્યો હતો. ૧૯ વર્ષની સાઇસ્તાએ દ્રઢ રીતે કહ્યું કે તેનો માત્ર એક જ અનુરોધ છે કે કૃપયા તબરેઝ માટે ન્યાય સુનિશ્ચિત કરો. આ વિરોધ પ્રદર્શનમાં સીપીઆઇના કન્હૈયા કુમાર, સીપીએમનાં કવિતા કૃષ્ણન, સમાજવાદી પાર્ટીના દાનિશ અલી અને આપના અમાનતુલ્લાખાન સહિત ઘણા રાજકારણીઓએ ભાગ લીધો. તેઓએ કહ્યું કે તેઓ ‘આતંકની સામે ઉભા છે.’ એક ધાર્મિક નારાના રાજકીયકરણની ટીકા કરવામાં આવી. કુમારે જણાવ્યું કે શાસક પક્ષ વધી રહેલી બેરોજગારી, અર્થતંત્રની ધીમી ગતિ અને આરોગ્ય સેવાની ખરાબ સ્થિતિ જેવા મહત્વના મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યો છે.