(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૬
નોટબંધી અને જીએસટીએ અર્થતંત્રની કમર તોડી નાંખી છે, તેમ આજે સુરત મુલાકાતે આવેલા રાજસ્થાન કોગ્રેસ પ્રમુખ સચીન પાયલટે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. કે નોટબંધી જીએસટીને કારણે મંદી-બેરોજગારી વધી છે. મોદી સરકારે અર્થતંત્ર ઉપર ઘાતક પ્રહાર કર્યો છે. તેમજ આ મુદ્દે પત્ર બહાર પાડવાની માંગ કરી હતી.
વધુમાં સચીન પાયલટે જણાવ્યું હતું કે લોકોએ મન બનાવી લીધું છે, ગુજરાતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીએસટીના કારણે સુરતમાં રપ૦૦૦ યુવાનો બેકાર થયા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચારાર્થે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં ગુજરાતને ઘમરોળી રહ્યા છે. જેઓને પ્રચંડ જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે જેથી ભાજપવાળા બોખલાઈ ગયા છે. જેથી રાહુલ ગાંધીનું કાઉન્ટર કરવા ભાજપે દોઢ ડઝન નેતાઓની ફોજ ઉતારી હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસના યુવા નેતા સચીન પાયલોટે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો આ વખતે મન બનાવી ચુક્યા છે કે તેઓ સત્તામાં પરિવર્તન કરીને રહેશે. તેથી ગભરાઈ ગયેલ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને ડરાવવા માટે આ પ્રકારના વિરોધ પ્રદર્શન કરાવી રહી છે. સચિને જણાવ્યુ હતું કે અમે માત્ર સુરત જ નહીં સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરી રહ્યા છીએ કે તેઓ આ વખતે કોંગ્રેસને પોતાના આશીર્વાદ આપે. જે કામ ૨૨ વર્ષથી ભાજપે નથી કર્યું તે કામ કોંગ્રેસ સરકાર કરી બતાવશે. મહત્ત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અત્યારે તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પોતાના રાષ્ટ્રીય સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતાર્યા છે.
રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સચીન પાયલોટ આજે કોંગ્રેસના ડોર ટુ ડોર પ્રચારમાં સામેલ થયા હતા અને તેની સાથે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ તથા કાર્યકરો પણ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ ગમે તેટલા પ્રયત્નો કરે ગુજરાત જીતવામાં સફળ થવાની નથી. ભાજપના મુખ્યમંત્રી અને નેતાઓ પણ ચૂંટણી જીતવાનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. જો તેમનામાં સહેજ પણ વિશ્વાસ હોત તો તેઓ રાષ્ટ્રવાદના ખોટા નારા ન લગાવત. સચીન પાયલોટે કથિત સીડી કાંડ મામલે હાર્દિકનો બચાવ કર્યો હતો. તેમજ આ સીડી કાંડ ભાજપનું ષડયંત્ર હોવાનો દાવો કર્યો હતો.