અમદાવાદ,તા.રપ
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના મહિલા નેતા રેશ્મા પટેલે રાજય સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમજ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટો વાયરલ કર્યા છે. જેમાં વિકાસ ગાંડો થયો છે, લોકો જાગી ગયા છે. સોશિયલ મીડિયામાં રેશ્મા પટેલે મુકેલી પોસ્ટ અને ફોટાના કારણે રાજકારણ ગરમાયું છે. પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલી રેશ્મા પટેલ અને વરૂણ પટેલ પાટીદાર નેતા હાર્દિક પટેલનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ હાર્દિક પટેલ અને પાટીદાર અનામત સમિતિ (પાસ) ઉપર આકરા પ્રહાર કર્યા હતા. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં જ રહીને રેશ્મા પટેલ રાજયની ભાજપ સરકારની આકરી ટીકા કરી રહ્યાં છે. રેશ્મા પટેલે ફેસબુકમાં ૪ તસવીર શેર કરી છે અને સાથે સંદેશો પણ લખ્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, હું ગીરનારની ગોદમાં અને મારા વતન જૂનાગઢની એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે ગઈ હતી. અહીં ખાવાની દરેક આઈટમમાં એક સંદેશ લખીને પીરસવામાં આવે છે. મારી થાળીમાં બે મેસેજ આવ્યા હતા, જે પૈકી એક મેસેજ ખૂબ જ ચોંકાવનારો હતો. એ સંદેશો હતો, ‘વિકાસ ગાંડો થયો’. મહિલા નેતાએ વધુમાં લખ્યું છે કે, ‘હું ભાજપ સાથે જોડાયેલી હોવાથી સરકારને શીખ આપતો આ સંદેશ એવુ કહેવા માગે છે કે, લોકો જાગી ગયા છે. લોકો સરકારમાં પોતાના હકને ઓળખી ગયા છે. સરકાર સાથે કોઈ વેર નહીં, ભ્રષ્ટ શાસકોની કોઈ ખેર નથી, હવે બદલશે આપણો દેશ જય હો, જય હિંદ’ એમ રેશમા પટેલે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રેશમા પટેલ ભાજપમાં રહીને પક્ષની જ ટીકા કરી રહ્યા છે. પરંતુ પક્ષ દ્વારા હજુ સુધી તેમની સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. એટલે રેશમા પટેલના પક્ષની ટીકા કરતા નિવેદનો સાચા જ હશે. એટલે જ પક્ષના મોવડીઓ દ્વારા રેશમા પટેલ સામે શિસ્તભંગના પગલા ભરાતા નથી જેવું લાગી રહ્યું છે.