તિરૂવનંતપુરમ, તા.૮
ધોનીના ફિનિશિંગ કૌશલ્યની સતત થઈ રહેલી ટીકાથી કંટાળી ગયેલા કપ્તાન કોહલીએ ટીકાકારોને સણસણતો જવાબ આપતા કહ્યું કે, તેના સહિત બીજાની નિષ્ફળતાની અવગણના કરી ધોનીને કારણ વગર ટાર્ગેટ બનાવાઈ રહ્યો છે. કોહલીએ કહ્યું કે, મને સમજાતું નથી કે કેમ તેને ટાર્ગેટ બનાવાઈ રહ્યો છે. જો એક બેટ્‌સમેન તરીકે હું ત્રણવાર નિષ્ફળ જઉં તો કોઈ મારી ઉપર આંગળી ચીંધતું નથી કારણ કે હું ૩પ વર્ષનો નથી. તેણે કહ્યું કે, તે હજુ પણ ફીટ છે અને બધા ટેસ્ટ પાસ કરી રહ્યો છે. તે મેદાન પર ટીમના પ્રદર્શનમાં દરેક સંભવ યોગદાન આપી રહ્યો છે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેનું પ્રદર્શન ઉમદા રહ્યું છે. કોહલીએ કહ્યું કે ટીકાકારોએ એ સમજવું જોઈએ કે ધોનીને મેદાન પર કેટલો સમય મળી રહ્યો છે તમારે એ સમજવું પડશે કે તે કયા ક્રમે બેટિંગ કરવા ઉતરે છે તે મેચમાં હાર્દિક પંડયા પણ રન બનાવી શક્યો નથી તો આપણે એક માણસને ટાર્ગેટ કેવી રીતે બનાવી શકીએ. તેણે કહ્યું કે, ધોનીના મામલામાં સંયમ રાખવાની જરૂર છે તે ઘણો સમજદાર છે અને તેના માટે નિર્ણય લેવાનો અધિકાર ફક્ત તેનો જ છે.