અમદાવાદ, તા.ર૭
કાતિલ ઠંડીએ જ્યાં ઉત્તર ભારતને બાનમાં લીધું છે ત્યાં ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનું આગમન થઈ ગયું છે. ઉત્તર-પૂર્વના પવનોથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. રાજ્યમાં એકાએક ઠંડીનું જોર વધી જતાં અનેક સ્થળોએ તાપમાનનો પારો ગગડી જતાં લોકો તીવ્ર ઠંડીના સકંજામાં આવી ગયા છે. ત્યારે આગામી દિવસો હાડ થીંજવતી ઠંડીના બની શકે છે. ત્યારે નલિયામાં તાપમાનનો પારો ૪.૬ ડિગ્રી જેટલું નીચું નોંધાતા લોકોએ અતિ તીવ્ર ઠંડીનો સામનો કર્યો હતો. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગઈકાલથી ઠંડીનું જોર એકાએક વધી ગયું છે. ૪.૬ ડિગ્રી તાપમાનથી કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે. ઠંડી હજુુુુ વધશે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ રથી ૩ ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતા છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ૩૦ ડિસેમ્બરના રોજ પશ્ચિમી હિમાલય અને જમ્મુ-કાશ્મીર પર જોવા મળશે. જેની મેગા અસર ગુજરાત પર જોવા મળશે. ૩૧ ડિસેમ્બરથી ર જાન્યુઆરી સુધી ઉત્તરના રાજ્યો ઉપરાંત ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેને કારણે બે-ચાર દિવસમાં ઠંડીનું જોર હજુ વધશે. વાત કરીએ તાપમાનની તો નલિયામાં પારો ૪.૬, ડીસા ૭.૮, કંડલા એરપોર્ટ ૯.૦, ભૂજ ૯.૦, અમરેલી ૯.ર, કેશોદ ૧૦.૪, આણંદ ૧૦.૯, અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૧.૬, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ૧ર.૦ અને કંડલાપોર્ટ પર ૧ર.ર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાતિલ ઠંડીના આગમનના એંધાણ સાથે તીવ્ર ઠંડીની વહેરે સમગ્ર રાજ્યને ઝકડી લીધું છે. ત્યારે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીને લીધે અનેક રસ્તાઓ પર ઓછા લોકો જોવા મળ્યા હતા અને જ્યાં-ત્યાં લોકો તાપણાં કરી ઠંડીનો સામનો કરતાં નજરે પડયા હતા. આ ઠંડીને લીધે ફૂટપાથ પર રાત્રી ગુજારનારાઓ માટે ભારે મુસીબત થઈ છે.

કયાં કેટલું તાપમાન
સ્થળ લઘુત્તમ તાપમાન
નલિયા ૪.૬
ડીસા ૭.૮
કંડલા એરપોર્ટ ૯.૦
ભૂજ ૯.૦
અમરેલી ૯.ર
કેશોદ ૧૦.૪
આણંદ ૧૦.૯
અમદાવાદ ૧૧.૬
ગાંધીનગર ૧૧.૬
સુરેન્દ્રનગર ૧ર.૦
રાજકોટ ૧ર.૦
કંડલાપોર્ટ ૧ર.ર