વડોદરા,તા.ર
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા ત્રણ દિવસથી લાઈટ ન મળતા સ્થાનિક લોકો ઈન્દ્રપુરી ઓફિસમાં લાઈટની રજૂઆત માટે ગયા હતા. વીજ સ્ટેશનના જવાબદાર કર્મચારીઓ દ્વારા રહીશોને ઉદ્ધતાઈભર્યા જવાબો આપતા લોકો રોષે ભરાયા હતા, અને સબ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. નોંધનીય છે કે, હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા ૩ દિવસથી વીજપુરવઠો ચાલુ ન થયો હોવાથી લોકો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. કારેલીબાગ વિસ્તારના ગણેશનગરમાં સમીક્ષા કરવા ગયેલા પાલિકાના અધિકારીઓ સામે સ્થાનિક રહીશો દ્વારા ભારે રોષ ઠાલવ્યો હતો. લોકોનો રોષ જોઈ અધિકારીઓને સ્થળ પરથી રવાના થઈ જવાની ફરજ પડી હતી. જલારામ નગરમાં ત્રીજા દિવસે પણ પાણીનો નિકાલ ન થતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આજે સવારે પાલિકાના બે અધિકારીઓ મદદ માટે ગયા હતા. પરંતુ સ્થાનિક લોકો દ્વારા પાલિકાના નિષ્ફળ તંત્રના કારણે જલારામ નગરની હાલત કફોડી બની હોવાના આક્ષેપો કરી રોષ ઠાલવતા અધિકારીઓ સ્થળ છોડી રવાના થઈ ગયા હતા. રથી ૩ ફુટ જેટલા પાણીમાં મરક સોસાયટીના રહીશો પાલિકા દ્વારા કોઈ સુવિધાઓ મળી ન હોવાના આક્ષેપો કરી રહ્યા છે.