(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૭
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરઝાળા ગામે રાત્રીના સમયે વાડી વિસ્તારમાં રાજુલાથી ભાગીયું રળવા આવેલા પરિવારના ચાર વર્ષના બાળકને દીપડાએ શિકાર બનાવતા મોતને ઘાટ ઉતાર્યું છે. કોળી કનુભાઈ રાધુભાઈ બારૈયાના દીકરાને દીપડો ઉપાડી જતાં સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ખેડૂત આગેવાન મનુભાઈ ચાવડા, પીએમ ખેંની, વિપુલભાઈ ભાલિયા, પદુભાઇ બાલધિયા, કરજાળા સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં ગામજનો જેસરના સરકારી દવાખાના ખાતે એકઠા થયા હતા, જંગલ ખાતાની ઘોર બેદરકારી તથા માનવીય સંવેદના વિહીન ફોરેસ્ટ અધીકારી વિરૂદ્ધ મામલતદાર જેસરને આવેદન પાઠવી રોષ ઠાલવ્યો હતો. ન્યાય ન મળે ત્યાં સુધી બાળકના માં-બાપે બાળકની લાશ લેવાનો ઇન્કાર કરતાં વાતાવરણ તંગ બનવા પામ્યું હતું. જેસર પંથકમાં અનેક આવી ઘટના બનતી રહે છે ત્યારે સરકાર અને વન વિભાગ આ બાબતે ક્યારે નીંદરમાંથી જાગશે એવી લોક ચર્ચા એ જોર પકડ્યું છે.