વડોદરા, તા.૪
શહેરના વડસર બ્રિજ પાસે યજ્ઞપુરૂષ કોમ્પ્લેક્ષ સ્થિત આઈ.સી.આઈ.સી.આઈ.ના એટીએમમાંથી રૂપિયા ૧૦૦ના બદલે રૂપિયા પ૦૦ નીકળતા લોકોના ટોળા ઊમટી પડ્યા હતા. જો કે, આ અંગેની જાણ પોલીસને થતાં તુરત જ પોલીસ પહોંચી ગઈ હતી અને શટર પાડીને એટીએમ બંધ કરાવી દીધું હતું. એટીએમના ટેકનિકલ વ્યક્તિએ જણાવ્યું કે, ટેકનિકલ ખામીના કારણે માત્ર રૂપિયા ૧૦૦ના બદલે રૂપિયા પ૦૦ નીકળી રહ્યા હતા.
એટીઅમમાં નાણાં લોડ કરતા કરણ મિશ્રાએ જણાવ્યું હતું કે, આઈ.સી.આઈ.સી.આઈ.ના એટીએમમાંથી જેટલા નાણાં ઉપાડવાના હોય તેનાથી ડબલ નીકળી રહ્યા હોવાની જાણ થતાં અમો સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ કરતા માત્ર રૂપિયા ૧૦૦ના બદલામાં રૂપિયા પ૦૦ નીકળી રહ્યા હતા. એટીએમને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે અને રૂપિયા ૧૦૦ના બદલે રૂપિયા પ૦૦ કેટલાં ગ્રાહકો લઈ ગયા તે અંગે તપાસ બાદ ખબર પડશે.
વડસર રોડ યજ્ઞપુરૂષ કોમ્પ્લેક્ષ સ્થિત આઈ.સી.આઈ.સી.આઈ બેંકના એટીએમમાંથી ડબલ નાણાં નીકળી રહ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકો એટીએમ ખાતે ઉમટી પડ્યા હતા અને નાણાં ઉપાડવા માટે લાંબી કતારો લગાવી હતી. જો કે, અફરા-તફરી મચે તે પૂર્વે કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરી દેતા પોલીસ દોડી આવી હતી અને એટીએમ બંધ કરાવી દીધું હતું. નાણાં ઉપાડવા માટે ધસી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે, અનેક લોકો ટેકનિકલ ખામીનો ફાયદો ઉઠાવીને વધુ નાણાં લઈ ગયા છે.
બેંકના એટીએમમાંથી ૧૦૦ના બદલે પ૦૦ નીકળતા લોકોના ટોળા ઊમટી પડ્યા

Recent Comments