(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૫
દેશમાં વધી રહેલી મોબ લિંચિંગની ઘટનાઓના વિરોધમાં સુરત ખાતે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, તે વેળા પોલીસે રેલીમાં જોડાયેલા કેટલાક લોકોને ધક્કે ચડાવતા ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસે ટીયરગેસના સેલ છોડતા નાસભાગ મચી ગઈ હતી. એટલે પોલીસના અણઘડ વહીવટને લીધે મૌન રેલીમાં ઘર્ષણ થયું હતું. સમગ્ર ઘર્ષણની ઘટનામાં પાંચ પોલીસકર્મી ઘાયલ થયા હતા. સમગ્ર દેશમાં મોબ લિંચિંગની ઘટનાઓ જે રીતે વધી રહી છે, તેના વિરોધમાં સુરત શહેરના બડેખા ચકલા ખ્વાજાદાના દરગાહ રોડથી વર્સેટાઈલ માયનોરિટી ફોરમના નેજા હેઠળ એક રેલી બપોરે નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જોડાયા હતા, ત્યારે રેલીમાં જોડાયેલા લોકોને ગેરસમજ થઈ હતી કે, રેલી ખ્વાજાદાના રોડથી અઠવાલાઇન્સ કલેક્ટર સુધી જશે. પરંતુ રેલીની પરમિશન નાનપુરા મક્કાઇપુલ સ્વામી વિવેકાનંદ સર્કલ સુધીની હતી અને લોકો એટલી વિશાળ સંખ્યામાં હતા કે ચોક મેઇનરોડ બંને બાજુથી લોકોથી ઉભરાઇ ઉઠતા બે માર્ગથી લોકો ચાલી રહ્યા હોવાથી પાછો કેવી રીતે પરત થાય તેની ગેરસમજ ઉભી થઇ હતી. પરંતુ પરમિશન મક્કાઇપુલ સુધીની હોવાથી પોલીસે આગળ પોલીસ વાન મુકી દઇ રેલીમાં જોડાયેલા લોકોને કેટલાક પોલીસવાળાઓએ રીતસરના ધક્કે ચઢાવતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા લોકો ઉશ્કેરાયા હતા. રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો હોવા છતાંએ પોલીસે વાહન વ્યવહાર બંધ ના કરતા લોકો વધુ ઉશ્કેરાતા ઘર્ષણની પરિસ્થિતિ ઉદ્‌ભવી હોવાથી શહેર પોલીસની અણઘડ વહિવટ અને કુનેહપૂર્વક કામ ન લીધું હોવાના લીધે આજે શહેરમાં આવી પરિસ્થિતિ ઉદ્‌ભવી હોવાનું ઘટના સ્થળે સ્પષ્ટ પણે દેખાઇ દેતું હતું, ત્યારે કોઈએ પલિતો ચાંપવા માટે સિટી બસમાં તોડફોડ કરી હતી. બસમાં તોડફોડ કોણે કરી તે અંગે કોઈ વિગતો સાંપડી નથી. ઘર્ષણને પગલે પોલીસે ટીયર ગેસના સેલ છોડી લાઠીચાર્જ કરતા રેલીમાં નાસભાગ મચી જવા પામી હતી અને પોલીસે બનાવ સ્થળ પરથી વર્સેટાઇલ માઇનોરીટી ફોરમના પ્રમુખ બાબુ પઠાણ, કોંગ્રેસ કોર્પોરેટર અસલ્મ સાયકલવાલા, શબ્બીર ચાહવાલા સહિતનાઓની અટકાયત કરી પોલીસ મથકે લઇ ગયા હતા. પોલીસે સમગ્ર નાનપુરા વિસ્તારને કોર્ટન કરી લઇ પરિસ્થિતિ કાબુમાં લઇ લીધી હતી. અડધો કલાક સુધી પરિસ્થિતિ રાબેતા મુજબની થઇ જતા વાહન વ્યવહાર ચાલુ થઇ ગયો હતો, પરંતુ શહેરમાં અફવા બજાર ખુબ ફેલાયો હોવાથી પોલીસે શાંતિ છે તેવો મેસેજ બહાર પાડી સમગ્ર નાનપુરા વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી દઇ રાઉન્ડ ધી કલાકે પેટ્રોલિંગ ચાલુ રાખ્યો હતો.

બહુમતી સમાજના યુવાનોનો રેલીમાંથી ભાગી રહેલા લોકો પર હુમલાનો પ્લાન હતો

સુરત, તા.પ
શહેરના મક્કાઇપુલ ખાતે એકત્ર થઇ રેલીમાં પોલીસે છોડેલા ટીપર ગેસના ટેટાથી તથા લાઠીચાર્જથી રેલીમાં જોડાયેલા લોકો બચવા માટે ભાગી રહ્યા હતા. ત્યારે સંવેદનશીલ એકતા સર્કલ, કુવાવાળી ગલી પાસે બહુમતિના લોકો તિક્ષ્ણ હથિયારો લઇને ગલીની બહાર આવી જતા એક સમયે આ બનાવ કોમી બનાવમાં પરિવર્તિત થતા સહેજમાં રહી ગયો હોવાનું જાણવા મળે છે. બનાવ સ્થળ પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મોબલિંચિંગને વખોડતી રેલી શહેરના બડેખા ચકલાથી નિકળી મક્કાઇપુલ પહોંચતા જ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે લાઠીચાર્જ અને પછી ટીપર ગેસના શેલ છોડતા રેલીમાં જોડાયેલા લકો જાન બચાવવા જ્યાં જગ્યા મળી ત્યાં નાસી રહ્યા હતા. દરમિયાન અતિ સંવેદનશીલ એવા નાનપુરા માછીવાડ, એકતા સર્કલ અને કુવાવાડી પાસે બહુમતિ સમાજના યુવાનો તિક્ષ્ણ હથિયારો સાથે ગલીના નાકે આવી જઇ રેલીમાંથી ભાગી રહેલા લોકોને નિશાન બનાવવા તૈયારી કરી રહ્યા હતા. પરંતુ એ પહેલા બહુમતિ સમાજના કેટલાક યુવાનોએ જાન બચાવવા રેલીમાંથી જઇ રહેલા લોકો પર પથ્થરમારો કરતા રેલીમાં જોડાયેલા કરતા લોકો ડાયવર્ડ થઇ જતા આ બનાવ સહજમાં કોમી બનાવમાં પરિવર્તિત થતા રહી જતા શહેરમાંથી એક મોટી ઘાત ટળી હોવાનું સ્થળ પરથી વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.

હિંસા કરનારા વિરૂદ્ધ કાયદેસરની
કાર્યવાહી કરાશે : ગૃહમંત્રી

સુરતમાં મોબલિંચિંગના વિરોધમાં નીકળેલી રેલી દરમિયાન થયેલા ઘર્ષણને પગલે મામલો નરમાયો હતો. ઘટનાને પગલે ગૃહમંત્રીએ મીડિયાને જણાવ્યું હતું કે, રેલી યોજવા માટે મંજૂરી આપવામાં આવી નથી તેમ છતાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, અગાઉ પણ આવો કાર્યક્રમ થઈ ચૂકયો હતો. ફરીવાર એ જ કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી શકાય નહીં. આ પ્રકારની ગુંડાગીરી યોગ્ય નથી. હિંસા કરનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે જ્યારે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કાયદો વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલો કાબૂમાં છે.