(એજન્સી) નવી દિલ્હી,તા.૧૯
મોટર વ્હીકલ સુધારાના નિયમ હેઠળ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર મોટા દંડ સહિત જુદી જુદી જોગવાઈઓની વિરૂદ્ધ ગઈકાલે ટ્રાન્સપોર્ટર્સની એક દિવસીય હડતાળ પાડવામાં આવી હતી. આ હડતાળને કારણે દિલ્હી-એનસીઆરમાં લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
યુનાઈટેડ ફ્રન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન (યુએફટીએ) દ્વારા હડતાળનું આહવાન કરવામાં આવ્યું હતું. આહવાનને પગલે આયોજિત થયેલી હડતાળને કારણે ગુરૂવારે ખાનગી બસ, ટેકસી, ઓટોરિક્ષા માર્ગો પર ન ચાલ્યા, જેને લીધે સવારે પોતાના કાર્યાલયે પહોંચવામાં લોકોને મુશ્કેલીઓ પડી. હડતાળને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, એનસીઆરમાં ઘણી શાળાઓ પણ બંધ છે જો કે, દિલ્હી મેટ્રો અને ડીટીસીની બસો પર આ બંધની અસર જોવા મળી નહોતી. આ સંગઠનના મહાસચિવ શ્યામલાલ ગોલાએ કહ્યું કે, આ હડતાળમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના પ૦થી વધુ પરિવહન સંગઠન અને યુનિયનો ભાગ લઈ રહ્યા છે. ગુરૂવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સવારે લોકોને કાર્યાલયો સુધી જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડયો, કારણ કે, યુએફટીએ સંગઠન તરફથી આયોજિત કરાયેલી હડતાળ બાદ ખાનગી બસ, ટેકસી, ઓટોરિક્ષા માર્ગો પર ચાલતા જોવા મળ્યા ન હોતા.