અમદાવાદ,તા. ૨૩
રાજ્યભરની એસટી બસ સેવા બે દિવસની હડતાળ બાદ રાબેતા મુજબ શરૂ થતાં પ્રવાસીઓને હાશકારો થયો છે. છેલ્લા બે દિવસથી એસટી બસ સેવા બંધ રહેવાના કારણે ત્રાહિમામ્‌ પોકારી ગયેલા લોકો આજે પણ એસટી બસ સેવા શરૂ થઈ ગઈ છે એ વાત માનતા ન હોય તેમ સવારથી ડેપો ઉપર પૂછપરછનો મારો ચલાવતા જોવા મળ્યા હતા તો કેટલાક રૂબરૂ પણ પૂછપરછ કરીને બસ ખરેખર ઉપડશે કે કેમ તેની જાણકારી મેળવતા હતા. બીજીબાજુ, સરકારના સત્તાવાળાઓ અને એસટી કર્મચારી યુનિયનની સંકલન સમિતિના હોદ્દેદારો સાથેની વાટાઘાટો અને તેમની માંગણીઓના નિકાલની પ્રક્રિયા ચાલુ જ છે. જેમાં સરકાર તરફથી સંકલન સમિતિની મુખ્ય માંગણી સાતમા પગાર પંચના અમલને લઇ હકારાત્મક બાંહેધરી આપતાં આખરે હડતાળ સમેટાઇ હતી અને આજે વહેલી પરોઢથી રાજયભરમાં એસટીનો વ્યવહાર રાબેતામુજબ શરૂ થયો હતો. આગામી તા.૨૮મી માર્ચે પણ સરકાર સાથે સંકલન સમિતિની મહત્વની બેઠક આ સમગ્ર મામલે મળે તેવી શકયતા છે. સરકાર તરફથી સાતમા પગાર પંચના અમલની ખાતરી મળતાં અને માંગણીઓ સંતોષવાની બાંહેધરી અપાતાં હડતાળ સમેટાવાની સાથે સાથે એસટી કર્મચારીઓએ એસટી ડેપોની બહાર ફટાકડા ફોડી, સૂત્રોચ્ચાર કરી ખુશી મનાવી હતી. જેને લઇ કર્મચારીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો.
રાજ્યના કર્મચારીઓએ ઝૂક્યા વગર આંદોલન ચાલુ રાખતાં અંતે ગઈકાલે એસટી કર્મચારીનાં ત્રણ યુનિયનના પ્રતિનિધિઓ, એસટી અધિકારીઓ અને મુખ્યપ્રધાને રચેલી કમિટીના સભ્યો અને વાહનવ્યવહાર પ્રધાન સાથે એક બેઠક થયા બાદ મોડી રાતે બાર વાગ્યે હડતાળ સમેટાઈ હતી. આ વાટાઘાટોમાં નક્કી થયા મુજબ હજુ તા.ર૮ માર્ચે ફરી એક બેઠક યોજાશે, જોકે આ બેઠક અંગે એવી ચર્ચા ઊઠી છે કે તે સમયે આચારસંહિતાનું ગ્રહણ લાગશે તો પ્રશ્નોનો ઉકેલ લાવવાનું લંબાઈ જશે. દરમિયાન અમદાવાદ ડિવિઝનના એસટી સચિવ હાર્દિકભાઈ સગરે જણાવ્યું હતું કે આજથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની એસટી બસ સેવા ચાલુ છે. બે દિવસની હડતાળ દરમિયાન લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા તો નિગમને પણ અંદાજે ૧૪ કરોડની ખોટ ભોગવવી પડી છે.