વેરાવળ, તા.૧ર
તાજેતરમાં કોડીનારમાં લોહાણા સમાજની દિકરીની ક્રુરતાપુર્વક હત્યા નિપજાવ્યાની ઘટના મહાજન તરીકે ઓળખાતા લોહાણા સહિત સર્વે સમાજ માટે આંચકા સમાન છે. આજ રોજ વેરાવળમાં લોહાણા મહાજનના નેજા હેઠળ હિન્દુ-મુસ્લિમ સમાજની તમામ જ્ઞાતિના આગેવાનો અને યુવાનોએ રોષપૂર્ણ રેલી કાઢી હતી. આ રેલી મુખ્ય બજારોમાં ફરી જિલ્લા પોલીસ કચેરીએ પહોંચેલ જયાં તમામ સમાજોએ પોલીસવડાને સામુહિક આવેદનપત્ર પાઠવી સમાજમાં આવી ક્રુર હત્યાના બનાવો ન બને તે માટે તટસ્થ તપાસ કરી આરોપીઓને દાખલરૂપ કડક સજા અપાવવામાં આવે તેવી માંગણી કરી છે.
આજે વેરાવળમાં હિન્દુ-મુસ્લિમ સમાજોની સામુહિક નીકળેલ રેલીમાં લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઇ તન્ના, જસદણ પાલિકાના સોનલબેન વસાણી, રાકેશ દેવાણી, અશોક ગદા, પ્રવિણ રૂપારેલીયા, લખમભાઇ ભેંસલા, નગરપતિ મંજુલાબેન સુયાણી, રિતેશ ફોફંડી, હાજી એલકેએલ, ફારૂક પેરેડાઇઝ, ઇમરાન જમાદાર, પ્રદિપ ચોકસી, બાદલ હુંબલ, કિશોરભાઇ રાજપોપટ, મુકેશભાઇ બિહારી, બીપીન અઢીયા, જયકરભાઇ ચોટાઇ, ભીમભાઇ વાયલુ, ફારૂક બુઢીયા, વિનુભાઇ રામચંદાણી, કમલ શર્મા, લલીત ફોફંડી સહિત મોટીસંખ્યામાં આગેવાનો અને લોકો જોડાઇ આવેદનપત્ર પાઠવેલ હતુ. જેમાં જણાવેલ કે, કોડીનારમાં માસુમ દિકરીની થયેલ ક્રુર હત્યાની ઘટનાથી સર્વ સમાજની દિકરીઓની સલામતિ સામે સવાલ ઉભો થયો છે. સમાજમાં શાંતિપ્રીય અને વેપાર-ઘંઘા કરનારા લોકોને કારણે લોહાણા જ્ઞાતિની ગણના મહાજન તરીકે થતી હોવાથી સામાજીક જવાબદારીના ભાગરૂપે તમામ સમાજની દિકરીઓ સાથે કયારેય આવી ક્રુરતાભરી ઘટના ન બને તે માટે તમામ સમાજો અને જવાબદાર તંત્રને જાગૃત કરવાની આજે લોહાણા સમાજને ફરજ પડી છે. ખાસ કરીને સોરઠમાં કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુઘારવાની ખાસ જરૂર છે. કારણ કે, આવું નહીં થાય તો અસામાજીક તત્ત્વોને સમાજમાં છૂટો દોર મળી જશે જે દિકરીઓની સલામતિ સામે કાયમી ખતરારૂપ રહેશે. કોડીનારની ઘટનાની તટસ્થ તપાસ કરી માસુમની હત્યામાં પાછલા બારણે કે કોઇપણ પ્રકારે આરોપીઓની મદદ કરનાર તમામ લોકોને સમાજમાં દાખલો બસે તેવી કડક સજા પોલીસ તંત્ર કરાવે અને ભવિષ્યમાં સર્વે સમાજને હચમચાવી નાંખે તેવી ઘટના ન બને તે માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી સર્વે સમાજના તમામ વર્ગના લોકોની લાગણી અને માંગણી છે.